તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
ટંકારામાં મેઘરાજાનું આગમન છતાં પ્રજા પરેશાન : માત્ર ૫ મીમી વરસાદમાં જ વીજળી ગુલ થતાં પીજીવીસીએલની પ્રી-મોન્સૂન મેન્ટેનન્સની પોલ ખુલી
પ્રથમ વરસાદે જ 'વીજળી રાણી' રિસાતાં આખું શહેર અંધારપટમાં ગરકાવ : રોષે ભરાયેલા ગ્રાહકોના ફોન પણ ન ઉપાડતાં તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે પ્રજામાં ભારોભાર આક્રોશ

જયેશ ભટાસણા, ટંકારા: લાંબા સમયથી ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા ટંકારા તાલુકામાં અંતે ગઈકાલે મેઘરાજાએ મંડાણ કરી પોતાની હાજરી પુરાવી દીધી છે. રાત્રિના સમયે મેહુલિયાએ 'ટહુક ટહુક' એન્ટ્રી કરી હતી અને સવાર સુધીમાં સરકારી ચોપડે ૫ મીમી વરસાદ નોંધાયો છે. આગામી સમયમાં 'દે ધનાધન' સ્ટાઈલમાં સાર્વત્રિક વરસાદ થાય જેથી વાવણી લાયક માહોલ બને તેવી આશા જગતાત વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ પ્રથમ વરસાદના આગમનની સાથે જ સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
પાંચ છાંટા પડતાં જ વીજળી ગુલ, તંત્રની આબરૂનું ધોવાણ:
એક તરફ વરસાદના આગમનથી લોકોમાં હરખનો માહોલ હતો, તો બીજી તરફ માત્ર પાંચ છાંટા પડતાંની સાથે જ સમગ્ર પંથકમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ભરઉનાળામાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સની મોટી-મોટી વાતો કરનાર પીજીવીસીએલ તંત્રની પોલમપોલ પ્રથમ વરસાદમાં જ છતી થઈ ગઈ હતી. તંત્રના અણઘડ વહીવટને કારણે આખું ટંકારા શહેર અંધારાની ચાદરમાં લપેટાઈ ગયું હતું, જેને પગલે વીજ કંપનીની આબરૂનું ધોવાણ થયું છે.
ફરિયાદ કેન્દ્ર પર ફોન 'નો રિસિવ' થતાં ગ્રાહકો આકુળ-વ્યાકુળ:
વરસાદ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ જતાં હેરાન-પરેશાન થયેલા ગ્રાહકોએ જ્યારે પીજીવીસીએલના ફરિયાદ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ફોન સતત 'નો રિસિવ' આવતો હતો. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક રહિશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
સ્થાનિક લોકોનો ગંભીર આક્ષેપ છે કે પ્રી-મોન્સૂન મેન્ટેનન્સના નામે માત્ર કાગળ પર જ કામગીરી કરવામાં આવી છે. અધૂરા અને અણધડ કામ કરનારા કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીને છાવરીને બિલ પાસ કરી દેનારા જવાબદાર અધિકારીઓ સામે પ્રજાએ ભારોભાર ગુસ્સો ઠાલવ્યો હતો. "હજુ તો મેઘરાજાએ માત્ર મંડાણ કર્યા છે ત્યાં જ જો આટલી મોટી મુસીબત ઊભી થતી હોય, તો ચોમાસું જામશે ત્યારે આગળ શું થશે?" તેવા ગંભીર સવાલો સાથે વીજ ગ્રાહકો ભારે આકુળ-વ્યાકુળ બન્યા છે. સ્થાનિકોએ આ સમગ્ર બાબતે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરીને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
