તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
વીજ લાઈન નાખવાની ઉતાવળ સામે ખેડૂતોના વિરોધ છતાં તંત્ર દ્વારા માર્કેટ રેટ કમિટીની કાર્યવાહી શરૂ કરાયાનો નેહુલ અમૃતિયાનો આક્ષેપ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૪: જેતપર ગામમાં રેવન્યુ તલાટી મંત્રી માર્કેટ રેટ કમિટી માટે નોટિસ બજાવવા આવતા ખેડૂતોમાં ફરી એકવાર રોષ ભભૂકી ઉઠ્યો છે. જેતપર પંથકના રેવન્યુ તલાટી દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને નોટિસની બજવણી કરવામાં આવી છે. આ નોટિસમાં ખેડૂતોને ૨૫ સપ્ટેમ્બરના રોજ કલેક્ટર કચેરી ખાતે MRC કમિટીની બેઠકમાં હાજર રહેવા જણાવાયું છે. નોટિસના પોઈન્ટ નંબર ૪ માં એવી શરત મૂકવામાં આવી છે કે જો ૨૫ તારીખે ખેડૂત કે તેમના પ્રતિનિધિ હાજર નહીં રહે તો, તેઓ પોતાનો વેલ્યુઅર નીમવા કે કમિટીમાં ભાગ લેવા માંગતા નથી તેમ માનીને કલેક્ટર કચેરી દ્વારા એકતરફી કાર્યવાહી કરી વેલ્યુઅર નીમી દેવામાં આવશે.
માત્ર ૨ દિવસની ટૂંકી નોટિસના પગલે ખેડૂત આગેવાનો અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.ખેડૂત આગેવાન નેહુલ અમળતિયાએ સવાલ ઉઠાવ્યો છે કે માત્ર ૨ દિવસમાં ખેડૂત કાયદાકીય સલાહ માટે વકીલ પાસે કયારે જાય અને વાંધા અરજી કેવી રીતે તૈયાર કરે? વળી, ગામ, રાજ્ય કે દેશની બહાર રહેતા ખેડૂતો આટલા ટૂંકા સમયમાં કેવી રીતે હાજર થઈ શકે?
નિયમ મુજબ પહેલા TSP કંપની દ્વારા ખેડૂતોને નોટિસ આપવાની હોય છે, પરંતુ કંપનીને બદલે સીધી કલેક્ટર કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે. અગાઉ ૪ જુલાઈ ૨૦૨૬ ના પરિપત્રનો ૩૬૦ થી વધુ ગામોએ લેખિતમાં વિરોધ નોંધાવ્યો હોવા છતાં, પ્રશાસન દ્વારા ખેડૂતો પર બળજબરીપૂર્વક MRC કમિટી થોપવામાં આવી રહી છે. જેતપર પંથકમાં વીજ લાઈન હેઠળ આવતા ૧૮૨ થી વધુ ખેડૂતો અસરગ્રસ્ત છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર જેમના ખેતરમાં થાંભલા (પોલ) આવે છે તેમને જ નોટિસ આપવામાં આવી રહી છે, જ્યારે ઉપરથી પસાર થતા વાયર કોરિડોર વાળા ખેડૂતોને નજરઅંદાજ કરાયા છે.
કંપનીઓના હિતમાં કામ ક૨ીને ખેડૂતોના બંધારણીય અને કાયદાકીય અધિકારો છીનવવાની વહીવટી તંત્રની આ ઉતાવળ સામે કિસાન સમિતિ અને ખેડૂતોએ ભારે રોષ વ્યક્ત કરી આગળની કાનૂની લડત માટેની તૈયારીઓ દર્શાવી છે. વીજ કંપનીઓ દ્વારા કાયદાકીય રીતે અસરગ્રસ્ત ખેડૂતોને નોટિસ આપીને કોઈ જાણ ક૨વામાં આવી નથી, છતાં મોરબી જિલ્લા કલેકટર દ્વારા માર્કેટ રેટ કમિટી માટે ઉતાવળ કરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમને લઈને ખેડૂત આગેવાન નેહુલ અમળતિયાએ સવાલ ઉઠાવ્યો છે કે, વીજ લાઈન નાખવાની આટલી બધી ઉતાવળ કોને છે? કંપનીને કે સરકારને? પ્રશાસનની આ કામગીરી દર્શાવે છે કે સરકાર અને તંત્ર ખેડૂત હિતેચ્છુ નહીં, પરંતુ વીજકંપની હિતેચ્છુ તરીકે કામ કરી રહ્યા છે.(
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
