હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશવ્યાપી હડતાળ છતાં ભાવનગરમાં 100 સ્ટોર્સ ખુલ્લા રહેવાની ચર્ચા !
કેટલાક કેમિસ્ટોના મતે કોઈ પણ સમસ્યાનું સમાધાન હડતાળ કરવાને બદલે કાયદાકીય અને લીગલ પ્રક્રિયા દ્વારા લાવવું વધુ યોગ્ય:પ્રમુખે કહ્યું -બંધના એલાન અંગે કોઈ પણ પ્રકારની વિસંગતતા નથી

ભાવનગર :ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) દ્વારા આવતીકાલે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય બંધમાં દેશભરના 15 લાખથી વધુ કેમિસ્ટો જોડાવાના છે, પરંતુ ભાવનગરમાં આ બંધના એલાન મુદ્દે મોટી વિસંગતતા જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરમાં બંધની સ્થિતિ વચ્ચે 100 થી વધુ મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેવાની શક્યતા છે.
ભાવનગર કેમિસ્ટ એસોસિએશન ના સભ્યોમાં પણ બંધને લઈને બે મત જોવા મળી રહ્યા છે. સામાન્ય સભ્ય દિપક પંડ્યાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "યુદ્ધ જેવી વર્તમાન સ્થિતિમાં હડતાળ એ યોગ્ય ઉપાય નથી. દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રહિતમાં મેડિકલ સેવાઓ ચાલુ રાખવી જરૂરી છે." તેમના મતે, કોઈ પણ સમસ્યાનું સમાધાન હડતાળ કરવાને બદલે કાયદાકીય અને લીગલ પ્રક્રિયા દ્વારા લાવવું વધુ યોગ્ય છે.
બીજી તરફ, ભાવનગર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ વિક્રમસિંહ ડોડીયાએ બંધ ન રાખવાની વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે, બંધના એલાન અંગે કોઈ પણ પ્રકારની વિસંગતતા નથી. જે કેમિસ્ટો આ બંધથી અજાણ છે, તેમને એસોસિએશનની ટીમ દ્વારા સંપર્ક કરી સમજાવવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ભાવનગરના તમામ 400 જેટલા કેમિસ્ટો એસોસિએશનના આદેશનું પાલન કરશે અને બંધમાં જોડાશે.
જોકે, સ્થાનિક સ્તરે 100 થી વધુ કેમિસ્ટો દ્વારા દુકાનો ખુલ્લી રાખવાની વાત વહેતી થતા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. આવતીકાલે સવાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે કે ભાવનગરના કેટલા મેડિકલ સ્ટોર્સ બંધ રહે છે અને કેટલા ચાલુ રહે છે. વહીવટી તંત્ર પણ આ બાબતે બાજ નજર રાખી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
