તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
મજબૂત અલનીનો છતાં શિયાળામાં કડકડતી ઠંડી પડવાની : ૨૦૨૭નું ચોમાસું પણ સારું રહેવાના સંકેત
અલનીનોને કારણે શિયાળો નહીં પડે અને આગામી ચોમાસું નબળું રહેશે તેવી માન્યતા યોગ્ય નથી : હવામાન નિષ્ણાત રમેશ બસીયા

(જયેશ ભટાસણા) ટંકારા : હાલમાં હવામાનને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે. ખાસ કરીને પ્રશાંત મહાસાગરમાં મજબૂત બનેલી અલનીનોની સ્થિતિને કારણે આ વર્ષે શિયાળામાં ઠંડી નહીં પડે અને વર્ષ ૨૦૨૭નું ચોમાસું પણ નબળું રહેશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, હાલના અભ્યાસ અને હવામાન મોડલના અવલોકન પ્રમાણે આવી માન્યતા રાખવી યોગ્ય નથી. આગામી મહિનાઓમાં અલનીનોની તીવ્રતા ઘટવાની અને ૨૦૨૭ના ચોમાસા સુધીમાં ENSO સ્થિતિ ન્યુટ્રલ તરફ જવાની શકયતા જોવા મળી રહી છે.
આ અંગે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના હવામાન નિષ્ણાત રમેશ બસીયાએ પોતાના અભ્યાસ અને મોડલના અવલોકનના આધારે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી છે. હાલ પ્રશાંત મહાસાગરમાં અલનીનોની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે. નિનો ૩.૪ વિસ્તારમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં આશરે ૨.૫ ડિગ્રી સેલ્સિયસ ઊંચું નોંધાઈ રહ્યું છે, જે મજબૂત અલનીનોનો સંકેત આપે છે. જોકે, આ સ્થિતિ લાંબો સમય યથાવત્ રહેશે કે કેમ તે મહત્વનો પ્રશ્ન છે.
લાંબા ગાળાના હવામાન મોડલના અનુમાન પ્રમાણે આગામી મહિનાઓમાં અલનીનોની તીવ્રતા ધીમે ધીમે ઘટવાની શકયતા છે.
૧. ડિસેમ્બર ૨૦૨૬થી ફેબ્રુઆરી ૨૦૨૭ : મજબૂત અલનીનોની સ્થિતિ રહેવાની શકયતા. ૨. જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૭ : મજબૂત અલનીનો યથાવત્ રહેવાની શકયતા. ૩. ફેબ્રુઆરીથી એપ્રિલ ૨૦૨૭ : અલનીનો નબળો પડવાની શરૂઆત થઈ શકે છે. ૪. માર્ચથી મે ૨૦૨૭ : અલનીનોની સ્થિતિ મધ્યમ તરફ જવાની શકયતા. ૨૦૨૭ના ચોમાસા માટે મળી રહ્યા છે સારા સંકેતો.
ભારતની INCOIS સંસ્થાના ૧૫ નવેમ્બરના અનુમાન પ્રમાણે એપ્રિલથી જૂન ૨૦૨૭ દરમિયાન ENSO સ્થિતિ ન્યુટ્રલ તરફ જવાની શકયતા છે. જ્યારે જૂનથી ઓગસ્ટ ૨૦૨૭ દરમિયાન લા નીનાની સ્થિતિ સર્જાવાની શકયતા વધી શકે છે.
જો આ અનુમાન સાકાર થાય તો આગામી ૨૦૨૭નું ચોમાસું સારું રહેવા માટે અનુકૂળ સંજોગો ઊભા થઈ શકે છે. જોકે, ચોમાસાની વાસ્તવિક સ્થિતિ માટે અન્ય હવામાન પરિબળો અને આગામી આગાહીઓ પણ એટલાં જ મહત્વપૂર્ણ રહેશે.
હાલની પરિસ્થિતિમાં અલનીનોની નબળો પડવાની પ્રક્રિયા કયારથી શરૂ થાય છે અને તેની તીવ્રતા કેટલી ઝડપથી ઘટે છે તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હાલના અનુમાન પ્રમાણે ૨૦૨૭ના ચોમાસા દરમિયાન જૂનથી સપ્ટેમ્બર સુધી અલનીનોની અસર રહેવાની શકયતા ઓછી છે, કારણ કે તે સમયગાળા દરમિયાન ENSO ન્યુટ્રલ અથવા લા નીના તરફ જઈ શકે છે.
મજબૂત અલનીનોની સ્થિતિ છે એટલે આ વર્ષે ઠંડી ઓછી જ પડશે એવું માનવું પણ યોગ્ય નથી. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થતી હિમવર્ષા અને ત્યાંથી ફૂંકાતા ઠંડા પવનો ગુજરાતના હવામાન પર અસર કરી શકે છે.
હાલના પોતાના અનુમાન અંગે રમેશ બસીયા જણાવે છે કે ડિસેમ્બર મહિનામાં મજબૂત પヘમિી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થવાની શકયતાને કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સારી એવી હિમવર્ષા થઈ શકે છે. ત્યારબાદ ઉત્તરપૂર્વ તરફથી આવતા ઠંડા પવનો ગુજરાત તરફ ફૂંકાય તો ડિસેમ્બર મહિનામાં ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ સારી એવી ઠંડીનો અનુભવ થઈ શકે છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
