<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

રાવલ નદીના વિનાશક પૂરે ઉનાનું રામેશ્વર ગામ ધોઈ નાખ્યું! પંદર દિવસ વીત્યા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં, ગ્રામજનોમાં ભારે રોષ

કેસર આંબાની કલમો તણાઈ અને 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા, ખેતરો વેરાન બન્યા છતાં હજુ સુધી નુકસાનીનો વાસ્તવિક સરકારી સર્વે કેમ નહીં?

ઉના: ઉના તાલુકાના રામેશ્વર ગામે ગત તા. 5 જુલાઈની રાત્રે રાવલ નદીમાં આવેલા પ્રચંડ અને વિનાશક પૂરે ભારે તારાજી સર્જી હતી. નદીના ધસમસતા પ્રવાહે ગામના 10થી વધુ ખેડૂતોની કિંમતી ખેતીની ફળદ્રુપ જમીનનું ધોવાણ કરી નાખ્યું છે. વર્ષોની લોહી-પાણીની મહેનતથી ઉછેરેલી કેસર આંબાની મોંઘી કલમો પૂરના પાણીમાં તણાઈ ગઈ છે, જ્યારે 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં અનેક પરિવારો બેઘર બની ગયા હતા. આટલી મોટી હોનારતને 15થી વધુ દિવસો વિતી ગયા હોવા છતાં, હજુ સુધી સરકારી તંત્ર દ્વારા નુકસાનીનો કોઈ ગ્રાઉન્ડ સર્વે કરવામાં આવ્યો નથી, જેને લઈને ગ્રામજનોમાં ચરમસીમાએ રોષ જોવા મળી રહ્યો છે.
ગ્રામ પંચાયત અને સ્થાનિકોના જણાવ્યા મુજબ, પૂરની હોનારત બાદ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીએ સ્થળ મુલાકાત લેવાની તસ્દી સુદ્ધાં લીધી નથી. ખેડૂત અરજણભાઈ બાંભણિયાની અંદાજે ત્રણ વીઘા જમીનનું ભારે ધોવાણ થયું છે અને 10 થી 12 જેટલી મોટી કેસર આંબાની કલમો તણાઈ ગઈ છે. ઘરવખરી અને પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છતાં તંત્ર કાગળ પર જ કામ કરી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. આ ઉપરાંત, સ્થળાંતરિત થયેલા લોકોને મળવાપાત્ર કેશડોલ સહાયમાં પણ ભારે ભેદભાવ અને ગેરરીતિના આક્ષેપો થઈ રહ્યા છે; 10થી 12 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હોવા છતાં માત્ર 5 લોકોના જ ફોર્મ સ્વીકારાયા છે.
આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે રામેશ્વર ગામની મુલાકાત લઈને અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનોની આપવીતી સાંભળી હતી. તેમણે તંત્રની નિષ્ક્રિયતા સામે આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો હતો કે, આટલી મોટી કુદરતી આફત બાદ પણ અધિકારીઓ સર્વે માટે કેમ નથી પહોંચ્યા? તેમણે તાત્કાલિક ધોરણે તટસ્થ નુકસાની સર્વે કરવા, તમામ પાત્ર અસરગ્રસ્તોને કેશડોલ અને વળતર ચૂકવવા તેમજ દર વર્ષે થતા જમીન ધોવાણને કાયમી ધોરણે અટકાવવા માટે રાવલ નદીના કાંઠે મજબૂત સંરક્ષણ દિવાલ (પ્રોટેક્શન વોલ) બનાવવાની આકરી માંગ કરી છે.
રામેશ્વરના ગ્રામજનોની હવે એક જ સ્પષ્ટ ચીમકી અને માંગ છે કે તંત્ર બંધ બારણે કાગળો પર સર્વે કરવાને બદલે સ્થળ પર આવીને વાસ્તવિક પરિસ્થિતિ જુએ. જો સમયસર યોગ્ય સહાય ચૂકવવામાં નહીં આવે અને નદી કાંઠે કાયમી સંરક્ષણ દિવાલનું આયોજન નહીં કરાય તો આગામી દિવસોમાં ગ્રામજનો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.

(7:25 PM IST)