<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

દેવભૂમિ દ્વારકા એસીબીની સફળ ટ્રેપ : કલ્યાણપુર તાલુકા પંચાયતના જુનિયર ક્લાર્ક રવિ મનસુખભાઇ ભરાડીયા રૂ. ૩૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આસિસ્ટન્ટ ડાયરેક્ટર જે.ડી.મેવાડા અને ડેપ્યુટી ડાયરેક્ટર બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ.આઈ.મંધરાની ટીમે મામલતદાર કચેરી સામેથી ક્લાર્કને દબોચ્યો : જમીનના તગાવી પ્રમાણપત્ર આપવા માટે માંગી હતી લાંચ

કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા : ભ્રષ્ટાચાર નાબૂદી વેગવંતી બનાવવા માટે કાર્યરત એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) ની ટીમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં લાંચિયા કર્મચારીઓ પર લાલઆંખ કરી છે. કલ્યાણપુર તાલુકા પંચાયત કચેરી ખાતે વર્ગ-૩ માં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રવિ મનસુખભાઇ ભરાડીયા (ઉંમર વર્ષ ૩૪) ને એસીબીની ટીમે ફરિયાદી પાસેથી રૂપિયા ૩૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ટ્રેપનું આયોજન એસીબી રાજકોટના નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના ઇન્ચાર્જ સુપરવિઝન તેમજ એસીબી રાજકોટ એકમના મદદનીશ નિયામક જે.ડી.મેવાડાના સીધા માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આઈ.મંધરા અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
શા માટે માંગી હતી લાંચ?
આ કેસની ટૂંકી વિગત એવી છે કે, આ કામના ફરિયાદી એક જાગૃત નાગરિક છે અને તેઓ પોતાના અસીલોની ખેતીની જમીન માટે સરકારનું 'ગામ નમુના નંબર-૭' મા કોઈ તગાવીનું લેણું બાકી નથી તે પ્રકારનું નો-ડ્યુઝ પ્રમાણપત્ર મેળવવા માંગતા હતા. આ પ્રમાણપત્ર કલ્યાણપુર તાલુકા પંચાયત કચેરી ખાતેથી ઇસ્યુ થતું હોવાથી, ત્યાં ફરજ બજાવતા આક્ષેપિત જુનિયર ક્લાર્ક રવિ મનસુખભાઇ ભરાડીયાએ આ પ્રમાણપત્રો સમયસર કાઢી આપવાના બદલામાં પ્રતિ પ્રમાણપત્ર રૂપિયા ૧૦૦૦/- લેખે લાંચની રકમ નક્કી કરી હતી. ફરિયાદીના અસીલોના ત્રણ તગાવી પ્રમાણપત્રો આપવાના અવેજ પેટે ક્લાર્કે કુલ રૂપિયા ૩૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી, જે રકમ આપવા માટે ફરિયાદીએ વાયદો કર્યો હતો.
એસીબીએ ગોઠવ્યું લાંચનું છટકું
જાગૃત નાગરિક એવા ફરિયાદી આ લાંચની રકમ આપવા બિલકુલ માંગતા ન હોવાથી, તેમણે આ અંગે દેવભૂમિ દ્વારકા એસીબી કચેરીનો સંપર્ક સાધી ક્લાર્ક વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમે કલ્યાણપુર મામલતદાર કચેરીની સામે આવેલી ફરિયાદીની ઓફિસે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન આક્ષેપિત જુનિયર ક્લાર્ક રવિ ભરાડીયા ત્યાં આવી પહોંચ્યો હતો અને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂપિયા ૩૦૦૦/- ની માંગણી કરી હતી. ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ ગુપ્ત વોચમાં ગોઠવાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આઈ.મંધરા અને સ્ટાફે તેને રંગેહાથ દબોચી લીધો હતો.
લાંચની પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવી
એસીબીની ટીમે ક્લાર્ક પાસેથી લાંચના સ્વીકારેલા રોકડા રૂપિયા ૩૦૦૦/- પૂરેપૂરા રિકવર કરી લીધા છે. પકડાયેલો આરોપી મૂળ ઉપલેટા (જી. રાજકોટ, ન્યુ બસ સ્ટેન્ડની સામે, કુળદેવી કૃપા) નો વતની છે અને હાલ રાજકોટ (નવા થોરાળા, ક્રિષ્નાપાર્ક સોસાયટી, શેરી નં. ૦૧, રસીલાબેન ભરાડીયાના મકાન) તેમજ કલ્યાણપુરમાં ગેટની સામે આવેલ શ્રીજી કોમ્પ્લેક્સના રૂમ નંબર ૩૦૮ માં રહે છે. લાંચ લેતા ઝડપાયેલા આ વર્ગ-૩ ના કર્મચારી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી એસીબીની ટીમે કાયદેસરની અટકાયત કરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(9:24 PM IST)