<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

ભાયાવદરમાં વિકાસની લહેરઃ સીમ વિસ્‍તાર માટે પીપળેશ્વર મંદિર સામે નવો સીસી રોડ અને કોઝવેનું કામ પ્રગતિમાં

ખેડૂતો-માલધારીઓને ચોમાસા પહેલા મળશે રાહત, આંબરડી નેસ ખાતે પણ કોઝવેનું કામ પૂર્ણઃ સીમ વિસ્‍તારમાં વસતા માલધારીઓ અને ખેડૂતોની સુવિધા માટે પણ ઐતિહાસિક કામગીરી

(જગદીશ રાઠોડ દ્વારા)ઉપલેટા તા.૫: ભાયાવદર શહેરમાં હાલ વિકાસ કાર્યોની વણઝાર ચાલી રહી છે. નગરપાલિકા અને ભાજપ ટીમ દ્વારા માત્ર મુખ્‍ય માર્ગો જ નહીં, પરંતુ સીમ વિસ્‍તારમાં વસતા માલધારીઓ અને ખેડૂતોની સુવિધા માટે પણ ઐતિહાસિક કામગીરી હાથ ધરવામાં આવી છે. 

તાજેતરમાં ભાયાવદરના જાણીતા પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલા મુખ્‍ય રસ્‍તા પર નવો સીસી રોડ અને કોઝવે બનાવવાનું કામ પૂરજોશમાં શરૂ કરાયું છે. આ માર્ગ પીપળેશ્વર મંદિરથી વાવડી નેસ, જૂનો માંડાસણ અને પાનેલી તરફ જાય છે. સીમ વિસ્‍તારના ખેડૂતો, માલધારીઓ અને રાહદારીઓ માટે અવર-જવરનો આ મુખ્‍ય આધાર છે. 

ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્‍યા ન સર્જાય તે માટે યોગ્‍ય આયોજન સાથે પાણીના નિકાસ માટે મોટા ભૂંગરા નાખીને મજબૂત કોઝવે તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેની ઉપર ગુણવત્તાયુક્‍ત સીસી રોડનું કામ હાલ પ્રગતિમાં છે. આ કામ આગામી ૪ થી ૫ દિવસમાં સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે, જેથી ચોમાસા પહેલા જ સ્‍થાનિકોને મોટી રાહત મળી જશે. 

ભાયાવદરમાં અવિરત વિકાસયાત્રા ચાલુ છે. આટલા કામો થયા હોવા છતાં ભાજપ ટીમ અને નગરપાલિકાના સભ્‍યો અહીં જ અટકવાના નથી. આગામી સમય માટે પણ નવી ગ્રાન્‍ટો મંજૂર કરાવી લેવામાં આવી છે અને હજુ વધુ લોકઉપયોગી કામો શરૂ કરવામાં આવનાર છે. 

સીમ વિસ્‍તારના લોકો પ્રત્‍યેની પ્રતિબદ્ધતા દર્શાવતા તાજેતરમાં જ આંબરડી નેસ ખાતે પણ માલધારીઓ અને ખેડૂતોના હિતોનું ધ્‍યાન રાખીને કોઝવેનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્‍યું છે. 

નગરપાલિકા અને ભાજપ ટીમના સભ્‍યોના જણાવ્‍યા મુજબ, ગામની અંદર તો સુવિધાઓ સુધરી જ છે, પરંતુ સીમ વિસ્‍તારમાં પણ અંતરિયાળ માર્ગો પર શક્‍ય એટલી શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચાડવા માટે ટીમ હંમેશા તત્‍પર અને કટિબદ્ધ છે. પ્રજાના સાથથી ભાયાવદરને એક આદર્શ અને સુવિધાસભર નગર બનાવવા માટે અવિરતપણે વિકાસના કામો કરતા રહીશું.(તસવીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા) 

(9:54 AM IST)