તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Friday, 17th July 2026
ધોરાજી તાલુકા પોલીસે ૪૮ કલાકમાં બે મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો,આરોપી ઝડપાયો
ધોરાજી અને ગોંડલ તાલુકાના ગુનાઓમાં ગેરેજ કામદારની ધરપકડઃ બંને બાઈક કબજે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૧૭: ધોરાજી તાલુકા પોલીસને વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં વધુ એક મહત્વની સફળતા મળી છે. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા બે અલગ-અલગ મોટરસાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી બંને મોટરસાયકલો કબજે કરી છે.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ ધોરાજી તાલુકાના સુપેડી ગામે ઉમા પાન સેન્ટર પાસે પાર્ક કરાયેલી હીરો સાઇન મોટરસાયકલ (રજી. નં. GJ-03-FR-8523) કિંમત રૂ. ૩૦ હજારની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થયો હતો.
તે જ દિવસે ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે ફરિયાદીના ઘર પાસે પાર્ક કરાયેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી. નં. GJ03AS3716) કિંમત રૂ. ૧૫ હજારની પણ અજાણ્યા શખ્સે ચોરી કરી હતી. આ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ BNS કલમ ૩૦૩ હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન પોલીસે બંને ગુનાઓનો ભેદ ઉકેલી નજીરહુશૈન સુલતાનમીયા કાદરી (ઉંમર ૨૦ વર્ષ), રહે. વેલારીયા, તા. ધોરાજી, જે વ્યવસાયે ગેરેજ કામદાર છે, તેને ઝડપી પાડ્યો હતો.
આ સમગ્ર કામગીરી ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના PI ડો. એમ. એમ. ઠાકોરના માર્ગદર્શન હેઠળ UHC દિવ્યરાજસિંહ પઢીયાર, HC જગદીશભાઈ સુવાણ, HC કેવિનભાઈ બોરખતરીયા, PC સંજયભાઈ મકવાણા તથા PC વાઘાભાઈ મોરી દ્વારા પાર પાડવામાં આવી હતી.
ધોરાજી તાલુકા પોલીસની આ કામગીરીથી વાહનચોરીના ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે લોકોને પોતાના વાહનો સુરક્ષિત સ્થળે પાર્ક કરવા તેમજ વાહનમાં સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ કરવા અપીલ પણ કરી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
