<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ધોરડોના સફેદ રણ, ‘રોડ ટુ હેવન’ અને વર્લ્ડ હેરિટેજ ધોળાવીરાને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન વિસ્તાર બનાવવા સાંસદ વિનોદ ચાવડાની અપીલ

તંત્ર જનભાગીદારીથી સતત દેખરેખ રાખે, પ્રવાસીઓ પણ કચ્છની પ્રાકૃતિક સુંદરતા અને ઐતિહાસિક ધરોહર જાળવવા જાગૃતિ દાખવે; વારસાનું જતન આપણા સૌની સહિયારી જવાબદારી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ :  કચ્છની ઓળખ સમાન સફેદ રણ, ઐતિહાસિક ધરોહર ધોળાવીરા અને અદભુત ‘રોડ ટુ હેવન’ દર વર્ષે હજારો પ્રવાસીઓને આકર્ષે છે. આ અમૂલ્ય પ્રવાસન સ્થળોની કુદરતી સુંદરતા અને ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે માટે આ વિસ્તારોને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં પહેલ કરવા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ અપીલ કરી છે. ધોરડો, ધોળાવીરા અને સમગ્ર ‘રોડ ટુ હેવન’ વિસ્તારને તબક્કાવાર પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન વિસ્તાર જાહેર કરવા તેમણે જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

રજૂઆતમાં પ્રવાસન સ્થળોએ પૂરતી કચરાપેટીઓ, પ્લાસ્ટિક કચરાના સંગ્રહ કેન્દ્રો અને વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલની વ્યવસ્થા ઊભી કરવા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને નિયંત્રિત કરવા સૂચન કરાયું છે. સાથે જ ગ્રામ પંચાયતો, પ્રવાસન અને વન વિભાગ, હોટેલ સંચાલકો, વેપારીઓ તથા સ્થાનિક સંસ્થાઓને જોડીને સતત સ્વચ્છતા અભિયાન ચલાવવા અને જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ વિશેષ સમિતિ રચી નિયમિત દેખરેખ રાખવાની પણ માંગ કરવામાં આવી છે.

કચ્છની સુંદરતા જાળવવાની જવાબદારી માત્ર તંત્રની જ નહીં, પરંતુ અહીં આવતા દરેક પ્રવાસી અને સ્થાનિક નાગરિકની પણ છે. પ્રવાસીઓ પ્લાસ્ટિકની થેલીઓ, પાણીની બોટલો અને ખાદ્ય પદાર્થોના પેકિંગનો કચરો જ્યાં ત્યાં ન ફેંકે, પુનઃઉપયોગી વસ્તુઓનો ઉપયોગ કરે અને સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે તે જરૂરી છે. કચ્છનું સફેદ રણ હોય કે ધોળાવીરાની ઐતિહાસિક ધરોહર, તેની સુંદરતા અને વારસો આવનારી પેઢીઓ સુધી જળવાઈ રહે તે સૌની સહિયારી જવાબદારી છે. તંત્રની સક્રિય પહેલ અને જનભાગીદારીના સમન્વયથી કચ્છને સ્વચ્છ, સુંદર અને પર્યાવરણલક્ષી પ્રવાસનનું ઉત્તમ ઉદાહરણ બનાવી શકાય છે.

(9:27 AM IST)