<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ધ્રોલ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. 21 ઓક્ટોબરના રોજ યોજાશે : નાગરિકોના ગામ અને તાલુકા કક્ષાના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ કરાશે

તા. 21 ઓક્ટોબરે સવારે 11 વાગ્યાથી પ્રાંત કચેરી ધ્રોલના મીટીંગ હોલમાં કાર્યક્રમ, અરજદારોએ તા. 18 ઓક્ટોબર સુધીમાં પુરતા પુરાવા સાથે મામલતદારને અરજી કરવા અનુરોધ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 12 : સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું સૂચન કર્યું છે.

 

જે અન્વયે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. 21 ઓક્ટોબરના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રાંત અધિકારીશ્રી ધ્રોલના અધ્યક્ષ સ્થાને પ્રાંત કચેરી, ધ્રોલના મીટીંગ હોલમાં યોજવામાં આવશે.

 

અરજદારોએ આગામી તા. 18 ઓક્ટોબર સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/અરજી ધ્રોલ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને પુરતા પુરાવા સાથે મોકલી આપવાની રહેશે.

 

તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો તે ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામસેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણિત રહેલ હોય. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજૂઆત કરેલી હોવી જોઈએ. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારી ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ. અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે, એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે, સામૂહિક રજૂઆતો કરી શકશે નહીં. ધ્રોલ તાલુકાના નાગરિકોએ આ કાર્યક્રમનો લાભ લેવા ધ્રોલ મામલતદારની યાદીમાં જણાવાયું છે.

(4:04 PM IST)