તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
ડીઝલ સંકટ ઉંડું: ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કમર તૂટવાની ભીતિ
પંપો પર લાંબી કતારો, ટ્રકચાલકો પરેશાન- સ્થિતિ યથાવત રહી તો ગુજરાતના ૧૨ લાખથી વધુ ટ્રકોના પૈડાં થંભી જવાની આશંકા

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા.રરઃ ઇઝરાયેલ-ઇરાન વચ્ચે વધતા તણાવ અને વૈશ્વિક ખાડી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે ગુજરાતમાં પણ દેખાવા લાગી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ખાસ કરીને ડીઝલની અછત સર્જાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ભારે ચિંતા ફેલાઈ છે. ડીઝલની અછતના કારણે ટ્રકચાલકો, ખેડૂતો તેમજ સામાન્ય વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક પેટ્રોલપંપો પર ડીઝલ ખૂટી જવાના પાટિયા લગાવવામાં આવ્યા છે. અનેક જગ્યાએ પેટ્રોલપંપોને પાંચ દિવસમાં માત્ર એક જ ટેન્કર મળતું હોવાની માહિતી સામે આવી રહી છે. પરિણામે પેટ્રોલપંપ સંચાલકોને મર્યાદિત લિટરમાં જ ડીઝલ આપવું પડે છે. બીજી તરફ વાહનચાલકો અછતના ડરથી ટાંકી ફૂલ કરાવવા આગ્રહ રાખતા હોવાથી પંપો પર રકઝક અને લાંબી કતારોનું દૃશ્ય જોવા મળી રહ્યું છે.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર જો ડીઝલની અછતની પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો રાજ્યના અંદાજે ૧૨ લાખ જેટલા ટ્રકોના પૈડાં થંભી શકે છે, જેના કારણે લાખો લોકોની રોજીરોટી પર સીધી અસર પડશે.
દૂરના રૂટ પર જતાં ટ્રકચાલકો માટે સ્થિતિ વધુ ગંભીર બની છે. અનેક પેટ્રોલપંપો પર મર્યાદિત ડીઝલ મળતા ટ્રકચાલકો રસ્તામાં અટવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે હાલની મંદીની પરિસ્થિતિ વચ્ચે આ સંકટ ઉદ્યોગ માટે ઘાતક સાબિત થઈ શકે છે.
ગુજરાત સરકાર દ્વારા લોકોમાં ભય ન ફેલાય તે માટે અપીલ કરવામાં આવી છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકો અફવાઓથી દૂર રહે. છતાં પણ જમીન સ્તરે અનેક વિસ્તારોમાં અછત જેવી સ્થિતિ અનુભવાઈ રહી છે. કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હોવાનું જાણવા મળે છે.
રાજ્યભરમાં સર્જાયેલી આ સ્થિતિને પગલે સામાન્ય જનતા, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો સરકાર પાસે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. તેમ શ્યામ રોડ લાઇન્સવાળા મનોજભાઇ કનૈયાએ જણાવ્યુંછે
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
