<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

કચ્છમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક: જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સ હાઈ એલર્ટ મોડમાં મુકાઈ, ASV ઈન્જેક્શન અને પ્રસુતિ કીટ સહિત પૂરતી વ્યવસ્થા ગોઠવાઈ

જિલ્લા કલેક્ટરની સૂચના બાદ તમામ કર્મચારીઓની રજા રદ; સગર્ભા મહિલાઓ, વૃદ્ધો અને નવજાત શિશુઓની ખાસ કાળજી લેવા તંત્રની અપીલ, નાગરિકોને નદી-નાળા અને અજાણ્યા રસ્તાઓથી દૂર રહેવા સૂચના

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રીની સીધી સૂચના બાદ જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સ સેવાને હાઈ એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવી છે.

જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સમાં પૂરતા પ્રમાણમાં Anti Snake Venom (ASV) ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વરસાદ દરમિયાન સાપના ડંખની ઘટનાઓ વધતી હોવાથી આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કીટ, ઈમરજન્સી દવાઓ, ઓક્સિજન સિલિન્ડર અને ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ખાતરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

ભારે વરસાદની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને 108 સેવાના તમામ કર્મચારીઓની રજા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવી છે. તમામ કર્મચારીઓને હેડ ક્વાર્ટરમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે જેથી કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક રિસ્પોન્સ આપી શકાય.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં જે મહિલાઓની પ્રસુતિની તારીખ નજીક છે તેવી સગર્ભાઓનો વ્યક્તિગત સંપર્ક કરવામાં આવ્યો છે. વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો આરોગ્ય વિભાગની ટીમ તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં સુરક્ષિત રીતે પહોંચાડવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.

108 સેવા અને જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને સલામત રહેવા માટે નીચે મુજબની અપીલ કરવામાં આવી છે: 

નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ વરસાદ શરૂ થાય તે પહેલા જ સલામત સ્થળે સ્થળાંતર કરી જવું  

સગર્ભા અને નવજાત: સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવી. પ્રસુતિના દિવસો નજીક હોય તો વહેલી તકે નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ જવું  

અવરજવર પર પ્રતિબંધ: વરસાદ દરમિયાન નદી, નાળા, ડેમ અને અજાણ્યા રસ્તાઓ પર અવરજવર કરવી નહીં  

પશુ-પાલન: પશુઓને ખુલ્લામાં બાંધી ન રાખવા, તેમને પણ સુરક્ષિત જગ્યાએ ખસેડવા  

વીજળી અને વૃક્ષોથી સાવધાની: વીજળીથી બચવા પાકા મકાનમાં રહેવું. વૃક્ષો કે નબળી જમીન પર ઉભા ન રહેવું  

તૈયારી: ઘરમાં હાથ બત્તી અને મોબાઇલ ફોનને ફૂલ ચાર્જ કરીને રાખવા  

અફવાઓથી દૂર રહો: કોઈપણ પ્રકારની ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવું. ચોક્કસ માહિતી માટે જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં રહેવું  

પ્રવાસ ટાળો: વૃદ્ધ નાગરિકો, સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુઓએ વરસાદ દરમિયાન બિનજરૂરી પ્રવાસ ટાળવો.

કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટના કે આરોગ્ય સંબંધિત તકલીફમાં ગભરાયા વગર તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા અથવા નજીકની મામલતદાર કચેરીનો સંપર્ક કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધુ પગલાં લેવામાં આવશે.

(3:30 PM IST)