<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મોરબી મચ્છુ નદી પર પાણીના કારણે બંધ કરાયેલા બેઠા પુલની મુલાકાત લીધી

મચ્છુ-૨ ડેમમાંથી પાણી છોડાતાં નદીમાં જળસ્તર વધ્યું : જનસુરક્ષા માટે વાહનવ્યવહાર બંધ કરી પોલીસ અને ફાયર બ્રિગેડ તૈનાત

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને કારણે મચ્છુ-૨ ડેમમાંથી નદીમાં મોટો જથ્થો છોડવામાં આવી રહ્યો છે, જેને પગલે મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા અને જનસુરક્ષાને ધ્યાને રાખી મોરબી શહેરમાં મચ્છુ નદી પર આવેલા બેઠા પુલ પરથી પાણી પસાર થઈ રહ્યું હોવાથી, વહીવટી તંત્ર દ્વારા આ માર્ગ પરનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

 

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર પોલીસ કાફલો તેમજ ફાયર બ્રિગેડની ટીમો સ્ટેન્ડબાય તૈનાત કરી દેવામાં આવી છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પોતે ઘટનાસ્થળે પહોંચી બેઠા પુલ અને આસપાસના વિસ્તારોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્થળ પર તૈનાત પોલીસ અને સુરક્ષા ટીમોને ચુસ્ત બંદોબસ્ત જાળવવા, નાગરિકોને પાણીના પ્રવાહ નજીક જતાં અટકાવવા અને ૨૪ કલાક સતર્ક રહેવા કડક આદેશો આપ્યા હતા.

(7:57 PM IST)