<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ટંકારાના મેઘપર ઝાલા ગામના બે મંદિરોની દિવેલીયાની જમીનો વ્‍યક્‍તિગત નામેથી રદ કરવા આદેશ

શંકર મંદિર અને ઠાકર મંદિરની ‘દિવેલીયા' પ્રકારની જમીનોના રેવન્‍યુ રેકર્ડમાં થયેલા ફેરફારો રદ : પૂજારી કે તેમના વારસદારોને જમીનની માલિકી કે વેચાણનો અધિકાર નથી : કલેક્‍ટર સ્‍વપ્‍નિલ ખરે

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃતા ૪, ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે બે અલગ -અલગ મંદિરની જમીનપુજારીઓ દ્વારા વ્‍યક્‍તિગત નામે વારસાઈ કરાવી લીધી હોવાનું ધ્‍યાને આવતા જિલ્લા કલેકટર દ્વારા સુઓમોટો એક્‍શન લેવામાં આવ્‍યા છે. જેમાં પ્રથમ કેસમાં, મેઘપર ઝાલા ગામના રેવન્‍યુ સર્વે નં. ૩૫૦ અને ૩૪૯/ર વાળી જમીન મૂળ ‘શંકર મંદિરનું દિવેલીયુ' તરીકે નોંધાયેલી હતી. પરંતુ મહેસૂલી રેકર્ડમાં ફેરફાર નોંધ નં. ૧૭૦૩ થી પૂજારીના વારસદાર દયાબેન વલ્લભપરી, બળદેવગીરી વલ્‍ભગીરી અને દિલીપગીરી વલ્‍લ્લગીરીના નામ રેકર્ડ પર દાખલ કરવામાં આવ્‍યા હતા. કલેક્‍ટરે આ નોંધ સ્‍યુમોટો રીવીઝનમાં લઈને રદ કરી છે અને જમીનના ૭/૧ર માં મૂળ ધર્માદા સંસ્‍થા ‘શંકરનું દિવેલીયુ' તરીકે જ નામ નોંધવા હુકમ કર્યો છે.

એ જ રીતે બીજા કિસ્‍સામાં મેઘપર ઝાલા ગામના રેવન્‍યુ સર્વે નં. ૬૮ અને ૧૪૯ વાળી જમીન જે 'ઠાકરનું દિવેલીય' તરીકે નોંધાયેલી હતી, તેમાં સુધારા નોંધ નં. ૭૯૦ થી ભક્‍તિરામ મગનલાલ નામના વ્‍યક્‍તિનું નામ દાખલ થઈ ગયું હતું. મોરબી પ્રાંત અધિકારીની દરખાસ્‍તને ગ્રાહ્ય રાખીને કલેક્‍ટરે આ નોંધ પણ રદ કરી છે અને રેવન્‍યુ રેકર્ડમાં માત્ર ‘ઠાકરનું દિવેલીયુ' તરીકે જ માલિકી દર્શાવવાનો સ્‍પષ્ટ આદેશ આપ્‍યો છે. આ ચુકાદાઓમાં કલેક્‍ટરે મહેસૂલ વિભાગના ૦૯/૦૪/૨૦૧૦ ના પરિપત્રનો સ્‍પષ્ટ હવાલો આપતા નોંધ્‍યું છે કે, બારખલી નાબૂદી અધિનિયમ હેઠળ ધાર્મિક અને સખાવતી હેતુ માટે અપાયેલી જમીનના કબજેદાર માત્ર તે ધાર્મિક સંસ્‍થા જ ગણાય છે. આવી જમીનમાં પૂજારીને વ્‍યક્‍તિગત રીતે ખેડૂતનો દરજ્જો પ્રાપ્ત થતો નથી. પરિણામે, પૂજારી કે તેમના વારસદારોને આ જમીન વેચવાનો, ગીરો મૂકવાનો કે બક્ષીસ કરવાનો કોઈ જ કાનૂની અધિકાર રહેતો નથી

(1:10 PM IST)