તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
અધિક જેઠ માસ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન : ફૂલોના ભવ્ય શણગારથી ભક્તો ધન્ય : હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ વાદ્યો વગાડીને કરાય છે પ્રસન્ન
શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી અને શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ અખાત્રીજના પાવન દિને મોતી-ગુલાબની પાંખડીના વાઘા અને ઓર્કિડ-મોગરાના શણગાર, અથાણાં-મીઠાઈનો છપ્પન ભોગ ધરાવાયો, 15 જૂન સુધી હનુમાન ચાલીસા યજ્ઞ

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસ અંતર્ગત અખાત્રીજ એટલે કે અક્ષય તૃતિયા ઉત્સવ નિમિત્તે આજે બુધવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી અને શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને મોતી અને ગુલાબની પાંખડીના દિવ્ય વાઘા ધરાવાયા હતા. સિંહાસનને ઓર્કિડ, મોગરો અને ગુલાબના મિક્સ ફૂલોથી નયનરમ્ય અને કલાત્મક રીતે શણગારવામાં આવ્યું હતું.
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના
મંદિરના ગર્ભગૃહમાં સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની આસપાસ ગુલાબી, વાદળી, સફેદ અને જાંબલી રંગના તાજા પુષ્પો તથા કેળના પાનથી કલાત્મક શણગાર કરાયો હતો. મોર અને કમળની પ્રતિકૃતિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ દિવસે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને અથાણાંનો અન્નકૂટ તેમજ મીઠાઈનો છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો હતો. સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના
મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે. સાંજે 05:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન યોજાયું હતું. આ પૂજનમાં સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ ધરાવવામાં આવ્યા હતા અને 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સાંજે 07:00 કલાકે કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની દિવ્ય સંધ્યા આરતી કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
શાસ્ત્રો મુજબ ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં રાજોપચાર પૂજન કરવામાં આવે છે. રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિત થાય છે. ત્યારબાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદોનું પાઠ કરવામાં આવે છે. રાજાને સંગીત અને નૃત્ય પ્રિય હોય છે તેમજ હનુમાનજી મહારાજની સામે પણ શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ વાદ્યો વગાડીને તેમને પ્રસન્ન કરવામાં આવે છે. વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સમર્પિત કરવામાં આવે છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
