તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Friday, 13th November 2026
સાવરકુંડલામાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી
નાવલી નદીના પટમાં આતશબાજીનો આકર્ષક નજારો જોવા ઉમટી જનમેદની

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૩: નાવલી નદીના પટમાં ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અવનવા અને રંગબેરંગી ફટાકડાઓએ આકાશને ઝગમગાવી દીધું હતું. આ ભવ્ય આતશબાજીના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી, અમરેલી લોકસભા વિસ્તારના સાંસદ ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, નગરપાલિકાના પ્રમુખ નયનાબેન કાપડિયા, પૂર્વ નગરપતિ મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ મંત્રી પ્રવીણભાઈ સાવજ સહિતના મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પણ આતશબાજી કરીને દિવાળીના પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. નાવલી નદીના પટમાં એક પછી એક આકાશમાં ફૂટતા રંગબેરંગી ફટાકડાઓ અને રોશનીના નયનરમ્ય નજારાએ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ભવ્ય આતશબાજી નિહાળવા માટે શહેરના નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો નાવલી નદીના પટમાં ઉમટી પડ્યા હતા. સમગ્ર વિસ્તાર લોકમેદનીથી ઉભરાઈ ગયો હતો. આતશબાજી દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. આમ, સાવરકુંડલા શહેરમાં દિવાળી પર્વની ઉજવણી પરંપરાગત રીત-રિવાજો સાથે ભાઈચારા, આનંદ અને ઉત્સાહના માહોલમાં કરવામાં આવી હતી. નાવલી નદીના પટમાં યોજાયેલી ભવ્ય આતશબાજી આ વર્ષની દિવાળી ઉજવણીનું મુખ્ય આકર્ષણ બની રહી હતી.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
