<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ગુજરાતમાં ડી.એલ.એડ. (પીટીસી) પ્રવેશ પ્રક્રિયા શરૂ : પ્રથમ રાઉન્ડમાં ૧૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને મેરિટના આધારે મળશે પ્રવેશ

૨૦૮ કોલેજો માટે ૬૧,૦૦૦થી વધુ અરજીઓ : સણોસરાની લોકભારતી કોલેજની ૧૨૫ બેઠકો માટે ૧૨,૨૫૮ ઉમેદવારોની પસંદગી સાથે કટ-ઓફ ઊંચું જવાની શક્યતા

સણોસરા: ગુજરાતમાં ડી.એલ.એડ. (પીટીસી) પ્રવેશ ૨૦૨૬ માટેની કેન્દ્રીયકૃત પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યની ૨૦૮ જેટલી માન્ય કોલેજો માટે કુલ ૬૧,૦૦૦થી વધુ અરજીઓ મળી હતી. ગત તા. ૨૪ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન પૂર્ણ થયેલી કોલેજ પસંદગીની કાર્યવાહી બાદ, હવે પ્રથમ રાઉન્ડમાં મેરિટના આધારે આશરે ૧૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે.

રાજ્યના સૌથી જૂના લોકભારતી અધ્યાપન મંદિર, સણોસરા ખાતેની ૧૨૫ બેઠકો માટે ૧૨,૨૫૮ વિદ્યાર્થીઓએ પસંદગી દર્શાવી છે. ઉપલબ્ધ સીટો કરતાં આશરે ૧૦૦ ગણી વધુ અરજીઓ આવી હોવાથી અહીં મેરિટ ખૂબ ઊંચું જવાની શક્યતા આચાર્ય જગદીશગિરિ ગોસાઈએ દર્શાવી છે. આ પ્રવેશ પ્રક્રિયા કુલ ત્રણ રાઉન્ડમાં યોજાશે, અને પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ખાલી રહેલી બેઠકો માટે બીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે.

મેરિટ યાદીમાં સ્થાન મેળવનાર ઉમેદવારોએ પોર્ટલ પરથી પોતાનો એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે અને નિયત સમયમર્યાદામાં અસલ પ્રમાણપત્રો સાથે સંબંધિત કોલેજ ખાતે હાજર થઈ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ OTP મારફતે સંમતિ આપવી ફરજિયાત બનાવવામાં આવી છે. જો કોઈ ઉમેદવાર સંમતિ નહીં આપે તો તે બીજા રાઉન્ડમાં ફરીથી કોલેજ પસંદ કરી શકશે, જ્યાં સંબંધિત કેટેગરીમાં ઉપલબ્ધ ખાલી બેઠકો મુજબ જ પ્રવેશ મેળવી શકાશે. (અહેવાલ - મુકેશ પંડિત)

(12:43 PM IST)