<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

ટંકારામાં ડો.ભીમરાવ આંબેડકરની ૧૩૫મી જન્‍મજયંતિ ઉલ્લાસભેર ઉજવાઈ, શોભાયાત્રા મહાસભા યોજાઇ

સર્વ સમાજની ઉપસ્‍થિતિમાં ભીમ ગીતો સાથે નીકળી શોભાયાત્રા, મૈત્રી ભીમ ભોજનમાં સમાનતાનો સંદેશ

(ભાવીન સેજપાલ-જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારાઃ તા.૧પ,   મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં બાબાસાહેબ આંબેડકરના ૧૩૫માં જન્‍મ દિવસની ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આંબેડકર ભવન સેવા સમિતિના નેજા હેઠળ આ ભવ્‍ય કાર્યક્રમ યોજાયો હતો.

સવારે નવ વાગ્‍યે લતીપર હાઈવે પર આવેલા આંબેડકર ભવન પરથી શોભાયાત્રાનું પ્રસ્‍થાન થયું હતું, જે ટંકારાના મુખ્‍ય માર્ગો પરથી પસાર થઈને આંબેડકર ભવન પર મહાસભામાં ફેરવાઈ હતી. શોભાયાત્રા દરમિયાન ભીમ ગીતો અને ભીમ ગરબાના સૂરોથી વાતાવરણમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

આ કાર્યક્રમમાં સર્વ સમાજના આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ પોતાના પરિવારો સહિત ઉત્‍સાહભેર સહભાગી બન્‍યાં હતાં. શોભાયાત્રા દરમિયાન દરેક ચોક પર ટંકારા વેપારી એસોસિએશન, આર્ય સમાજ દળ, ઉત્‍સવ સમિતિ તેમજ હિન્‍દુ, મુસ્‍લિમ અને બૌદ્ધ સમાજ દ્વારા ઠંડા પીણાં, છાશ-શરબતનું વિતરણ કરીને સેવાનો અનેરો આનંદ માણ્‍યો હતો.

વર્ષોથી ટંકારા મધ્‍યે જન્‍મજયંતિ ઉજવણીના મેદાનમાં હાલ વિશાળ ભવન નિર્માણ પામ્‍યું છે, જ્‍યાં આજરોજ સેંકડો ભીમ સૈનિકો સભા સ્‍વરૂપે ઉમટી પડ્‍યાં હતાં. આ તકે રાજકોટથી પધારેલા બામસેફ કાર્યકર્તા નરેશભાઈ પરમાર, બામસેફ કાર્યકર્તા એચ.ડી.પરમાર તેમજ એડવોકેટ દિપકભાઈ પરમાર, એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, એડવોકેટ જોશનાબેન ચૌહાણે પ્રાસંગિક પ્રવચન આપ્‍યું હતું અને બાબાસાહેબના અપ્રતિમ કાર્યોથી લોકોને માહિતગાર કર્યા હતા.

કાર્યક્રમના અંતે મૈત્રી ભીમ ભોજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં તમામ સમાજના લોકોએ એકસાથે પંગતમાં બેસીને ભોજન લીધું હતું અને સમાજમાં સમાનતા તથા મૈત્રીનો ઉત્તમ સંદેશ આપ્‍યો હતો. આ કાર્યક્રમ થકી ડો. આંબેડકર સાહેબના વિચારો અને સામાજિક ન્‍યાય તેમજ શિક્ષણના મહત્‍વને વધુ ઉજાગર કરવામાં આવ્‍યાં હતાં.

આ પ્રસંગે બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ, અગ્રણી રમેશભાઈ રાઠોડ તેમજ પૂર્વ તાલુકા ચેરમેન મહેશભાઈ લાધવા, અગ્રણી અશોકભાઈ ચાવડા તેમજ અગ્રણી જયંતિભાઈ સારેસા સહિત અનેક યુવાઓએ તન, મન, ધનથી જહેમત ઉઠાવી હતી.

(11:58 AM IST)