<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

વિસાવદરનાં ડો. નિશા ભટ્ટે શિક્ષણ ક્ષેત્રે મેળવી પીએચ.ડી.ની સિદ્ધિ

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે થયેલ સુધારણાં અંગેના અભિપ્રાયોનો અભ્યાસ” વિષય પર પીએચ.ડી સંશોધન સંપન્ન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરનાં ડૉ. નિશા ભટ્ટે શિક્ષણ ક્ષેત્રે મેળવી પીએચ.ડી.ની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વિસાવદરની પ્રતિભાશાળી સંશોધક તથા મહેસાણા જિલ્લાના કટોસણ હાઈસ્કૂલ ખાતે શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા ડૉ. નિશા જયંતિલાલ ભટ્ટએ શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં “સમગ્ર શિક્ષા અભિયાન (એસ.એસ.એ.) અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે થયેલ સુધારણાં અંગેના અભિપ્રાયોનો અભ્યાસ” વિષય પર પીએચ.ડી. પૂર્ણ કર્યું છે.
આ સંશોધન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે રજૂ કરવામાં આવ્યું હતું. તેમના અભ્યાસમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ થયેલા શૈક્ષણિક સુધારાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ તથા શૈક્ષણિક માળખામાં આવેલા પરિવર્તનોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ડૉ. નિશા ભટ્ટના પિતા જયંતિલાલ વ્રજલાલ ભટ્ટ માંડાવડ સરકારી શાળામાં શિક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે, જ્યારે તેમની માતા શ્રીમતી રેખાબેન ભટ્ટએ પરિવાર અને શિક્ષણ પ્રત્યે હંમેશા પ્રેરણાદાયી ભૂમિકા ભજવી છે.
તેમના સસરા જયપ્રકાશ ડી. વસાવડા વિસાવદર ખાતે જી.ઈ.બી. વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા છે, જ્યારે તેમના સાસુ શ્રીમતી હસુમતિબેન ત્રિવેદી વિસાવદરની સરકારી કન્યા શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમના પતિ ડૉ. નિરવ જે. વસાવડા શારીરિક શિક્ષણ ક્ષેત્રે પીએચ.ડી. ધારક છે અને શિક્ષણ તથા રમતગમત ક્ષેત્રે સક્રિય રીતે કાર્યરત છે. આ સંશોધન કાર્ય ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના ડીન તેમજ સિન્ડિકેટ સભ્ય અને ઉકાભાઈ ડોડિયા બી.એડ. કોલેજ, સીમરના પ્રાચાર્ય ડૉ. જય ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું હતું. ઉપરાંત અંગ્રેજી વિભાગના સહાયક પ્રાધ્યાપક તથા પીએચ.ડી. વિભાગના વડા ડૉ. ઓમ જોશીનું પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સહકાર પ્રાપ્ત થયો હતો. સાથે જ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના પૂર્વ કુલપતિ પ્રોફેસર ડૉ. ચેતન ત્રિવેદીની પ્રેરણા અને સહકાર બદલ ડૉ. નિશા ભટ્ટે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. ડૉ. નિશા ભટ્ટની આ સિદ્ધિ બદલ પરિવારજનો, શિક્ષણવિદો, શુભેચ્છકો તેમજ સમગ્ર વિસાવદર વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે.

(9:09 PM IST)