તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
વિસાવદર સરકારી હોસ્પિટલનાં ડો. પાર્થ ફૂલેત્રા અને ડો. અભય ડોડીયાની રાતોરાત ડાંગ અને છોટાઉદેપુર આશ્ચર્યજનક બદલી
ચેમ્બર ઓફ કોમર્સે વિરોધ નોંધાવ્યો : ફરી બન્ને તબીબને વિસાવદર મુકવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર સરકારી હોસ્પિટલનાં ડો. પાર્થ ફૂલેત્રા અને ડો. અભય ડોડીયાની રાતોરાત ડાંગ અને છોટાઉદેપુર આશ્ચર્યજનક રીતે બદલી થતાં સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી છે.
ડો.અભય પુંજાભાઈ ડોડીયા, તબીબી અધિકારી, વર્ગ-૨, સરકારી હોસ્પિટલ-વિસાવદર, જી.જુનાગઢને જાહેર હિતાર્થે સામુહીક આરોગ્ય કેન્દ્ર- ઝોઝ, જી.છોટાઉદેપુર ખાતે બદલીથી મૂકવાના આદેશ કરવામાં આવ્યો છે.
જ્યારે ડો.પાર્થ જયપ્રકાશભાઈ ફુલેત્રા, તબીબી અધિકારી, વર્ગ-૨, સરકારી હોસ્પિટલ-વિસાવદર, જી.જુનાગઢને જાહેર હિતાર્થે જનરલ હોસ્પિટલ- આહવા જી.ડાંગ ખાતે બદલીથી મૂકવાના આદેશ કરવામાં આવ્યો છે.
બહાર આવેલી વિગતો અનુસાર ડો.ડોડીયાએ વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઓ, વડોદરા તથા ડો.ફુલેત્રાએ વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઓ, સુરત સમક્ષ હાજર થઇ મૂવમેન્ટ આદેશ મેળવી ફરજ ઉપર હાજર પણ થઈ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનાં અનુસંધાને આચારસંહિતા અમલી છે ત્યારે આવા સમયે પણ આ બંને તબીબના ગાંધીનગરથી રાતોરાત બદલીનાં ઓર્ડર થતાં લોકોમાં અવનવા તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
દરમિયાન વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે, વિસાવદર તાલુકો ગીરનો છેવાડાનો તાલુકો છે. જેના આજુ બાજુના ૭૬ ગામડા અને ૬ નેશ ધરાવતો તાલુકો છે. હાલમા ગુજરાત સરકાર અને આપની દિર્ઘ દ્રષ્ટિથી અત્રેના વિસાવદર તાલુકાને સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલની મંજુરી આપવામા આવેલ છે. આ વિસ્તારના પ્રજાની આ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમા સેવા કરતા બે સરકારી ડોકટરોની કોઈપણ જાતની ફરીયાદ વગર સજાના ભાગ રૂપે ગુજરાતના અંતરીયાળ વિસ્તારોમા બદલી કરી નાખવામા આવેલ છે. જેની અહીની પ્રજા પર ગંભીર5 અસરો પડી છે. આ બાબતે જણાવવાનુ કે આ તાલુકાને સતત અન્યાયનો ભોગ બનાવવામા આવેલ છે. ડોકટરોની સમસ્યા હોય કે રેલ્વે સમસ્યા વર્ષોથી સતત આ વિસ્તારની પ્રજા વગર વાંકે અન્યાયનો ભોગ બનેલ છે. જેથી આ બાબતે યોગ્ય ન્યાય કરી ફરી થી બદલી કરેલ સેવાભાવી ડો.પી.જે. ફુલેત્રા તથા ડો. એ.પી.ડોડીયાને અહીની સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વિસાવદરમા મુકવા ચેમ્બર્સે માંગણી કરી છે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
