તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
જામનગરમાં ડિમોલિશન દરમિયાન ડ્રામા: 80 વર્ષીય નંદુબેનનો પોલીસ સામે જોરદાર વિરોધ, ઝપાઝપી-બટકા બાદ બળજબરીથી જીપમાં બેસાડાયા : જુઓ વિડીયો
જડેશ્વર પાર્કમાં મનપાની કાર્યવાહી વખતે વૃદ્ધાએ મકાન પાસે બેસી ડિમોલિશન રોક્યું, મહિલા પોલીસને ધક્કા-બટકા ભર્યા; ‘માજી સહકાર આપો’ની વિનંતી છતાં ન માન્યા, સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ખસેડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૪ : જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે જડેશ્વર પાર્ક વિસ્તારમાં હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન ભારે હંગામાનો માહોલ સર્જાયો હતો. કાર્યવાહી દરમિયાન આશરે 80 વર્ષીય વૃદ્ધ મહિલા નંદુબેન એ મનપાની ટીમ અને પોલીસ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.
શું બની ઘટના?
મનપાની ટીમ દબાણ દૂર કરવા માટે સ્થળ પર પહોંચી ત્યારે નંદુબેન પોતાના મકાન પાસે જ બેસી ગયા હતા, અને ડિમોલિશન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પર હાજર મહિલા પોલીસ કર્મચારીઓ તથા અન્ય પોલીસ જવાનોએ તેમને સમજાવી સ્થળ પરથી હટાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ નંદુબેન કોઈ રીતે ત્યાંથી ખસવા તૈયાર નહોતા.
પોલીસ સાથે ઝપાઝપી, બટકા ભર્યા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ નંદુબેને ભારે પ્રતિકાર કરતાં મહિલા પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓને ધક્કા માર્યા હોવાના તેમજ મહિલા પોલીસ કર્મચારીઓને બટકા ભરી લીધાના દ્રશ્યો પણ સર્જાયા હતા. મહિલા પોલીસ કર્મચારીઓએ વારંવાર વિનંતી કરતાં કહ્યું હતું કે, “માજી, સહકાર આપો અને અમારી સાથે શાંતિથી ચાલો,” છતાં નંદુબેનનો વિરોધ યથાવત રહ્યો હતો.
બળજબરીથી પોલીસ મથકે લઈ જવાયા
પરિસ્થિતિ વધુ તંગ બનતા પોલીસ દ્વારા ટિંગાટોળી કરવામાં આવી હતી, અને આખરે વૃદ્ધ મહિલાને બળજબરીપૂર્વક પોલીસની જીપમાં બેસાડી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ખસેડવામાં આવ્યા હતા.
ડિમોલિશનની કામગીરી પૂર્ણ
વૃદ્ધ મહિલાને સ્થળ પરથી દૂર ખસેડ્યા બાદ મહાનગરપાલિકાની ટીમે ડિમોલિશનની આગળની કાર્યવાહી પૂર્ણ કરી હતી. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
