<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

ધ્રોલ-માણેકપર રોડ પર બાઇક આડે કૂતરું આવતાં સર્જાયો ગોઝારો અકસ્માત, ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મોત

ભંડારીયા હનુમાનજી મંદિર નજીક મોટરસાઇકલ સ્લિપ થતાં યુવાન માથાના ભાગે ગંભીર રીતે ઘવાયો, ગમારા પરિવારમાં અરેરાટી

(સંજય ડાંગર) ધ્રોલ  : તાલુકામાં માણેકપર રોડ પર ભંડારીયા હનુમાનજીના મંદિર નજીક બાઇક સ્લિપ થઈ જતાં ૨૨ વર્ષીય યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું છે.

બનાવની વિગતો અનુસાર, ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા કરશનભાઇ મૈયાભાઇ ગમારા (ઉં.વ. ૨૨) ગત તા. ૨૯ ઓક્ટોબરના રોજ વહેલી સવારે આશરે સાડા પાંચ વાગ્યાની આસપાસ પોતાનું મોટરસાઇકલ લઈને માણેકપર ગામે મજૂરો લેવા માટે જઈ રહ્યા હતા.

તે દરમિયાન માણેકપર રોડ પર આવેલા ભંડારીયા હનુમાનજી મંદિર પાસેથી પસાર થતી વખતે અચાનક બાઇક આડે કૂતરું આવી ગયું હતું. કૂતરું આડું ઉતરતાં ચાલકે બાઇક પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેથી કરશનભાઇ રસ્તા પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૈયાભાઇ ભુરાભાઇ ગમારાએ જાણ કરતાં ધ્રોલ પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.બી. સોઢીયાએ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(11:34 AM IST)