News of Thursday, 29th October 2026
ઓમાનની દરિયાઈ હદમાં માંડવીના જહાજ MNV 2183 પર ડ્રોન હુમલો : બે ખલાસી ઈજાગ્રસ્ત : ૧૩ ખલાસીઓનો આબાદ બચાવ
દુબઈથી સોમાલિયા જઈ રહેલા માર્ગમાં મધદરિયે સર્જાયેલી દુર્ઘટના પાછળ ઈરાનની સંડોવણી હોવાની આશંકા : કચ્છના ખલાસી પરિવારોમાં ચિંતા સાથે રાહતની લાગણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : ઓમાનની દરિયાઈ હદમાં કચ્છના માંડવી પંથક સાથે સંકળાયેલા એક જહાજ પર ડ્રોન હુમલો થયો હોવાના અત્યંત ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દુબઈથી સોમાલિયાના બોસાસો બંદર તરફ જઈ રહેલા 'MNV 2183' નંબરના માલવાહક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. આ ખતરનાક હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આ હુમલાની સત્તાવાર જવાબદારી અને તેના ચોક્કસ કારણો અંગે હજુ પુષ્ટિ થવાની બાકી છે.
મધદરિયે બની રહેલી આ ઘટના મુજબ, જહાજ સાથે એક સશસ્ત્ર ડ્રોન અથડાવાને કારણે ભીષણ વિસ્ફોટ થયો હતો, જેના પગલે જહાજ આગની લપેટમાં આવી ગયું હતું અને તેને ભારે નુકસાન પહોંચ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી જહાજ પર સવાર તમામ ખલાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
૧૩ ખલાસીઓ સુરક્ષિત, બે ઈજાગ્રસ્ત:
આ દુર્ઘટના સમયે જહાજ પર કુલ ૧૩ ખલાસીઓ સવાર હતા, જેઓ ગુજરાતના કચ્છ સ્થિત માંડવી અને સલાયા પંથકના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે સમયસરની રાહત અને બચાવ કામગીરીને કારણે તમામ ૧૩ ખલાસીઓનો આબાદ બચાવ થયો છે. આ વિસ્ફોટમાં બે ખલાસીઓને ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે ઓમાનની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય સુરક્ષિત રહેલા ૧૧ ખલાસીઓ હેમખેમ હોવાનું જણાઈ રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ ઓમાનના સ્થાનિક માછીમારો અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. વર્તમાન સમયમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ભૂરાજકીય સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં આ ઘટનાને અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે. આ હુમલાની વાસ્તવિક પરિસ્થિતિ અને જહાજને થયેલા નુકસાન અંગે સત્તાવાર વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે. બીજી બાજુ, આ સમાચાર મળતા જ કચ્છના માંડવી અને સલાયા વિસ્તારમાં રહેતા ખલાસીઓના પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો, જોકે તમામ ખલાસીઓ સુરક્ષિત હોવાના સમચારથી પરિવારોએ હાશકારો અનુભવ્યો છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
