News of Wednesday, 4th November 2026
મોટી પાનેલીમાં મગફળી કાઢતી વખતે થ્રેશર મશીનમાં માથું ફસાઇ જવાને લીધે ૧૮ વર્ષની જીગુબેનનું મોત
ચુંદડીનો છેડો ફસાતાં તેની સાથે માથું ખેંચાઇ ગયું: રાજકોટમાં સારવારમાં મૃત્યુ થતાં પરિવારજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૪: ઉપલેટાના મોટી પાનેલી ગામે વાડીએ થ્રેશર મશીનમાં મગફળી કાઢવાના કામ વખતે ૧૮ વર્ષની યુવતિની ચુંદડી મશીનમાં ઉડીને ફસાઇ જતાં યુવતિનું માથું પણ ફસાઇજતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ મોટી પાનેલી ગામે રહેતી જીગુબેન દાનાભાઇ સાગઠીયા (ઉ.વ.૧૮) ૩૦/૧૦ના રોજ પોતાના ગામની બીજી પંદરેક છોકરીઓ અને બીજા મજૂરો સાથે ગામના રાજભાઇ વસંતભાઇ ગજેરાની વાડીએ મગફળી ઉપાડવાનું કામ કરવા ગઇ હતી. તે વખતે થ્રેશર મશીન પર મગફળી કાઢવાનું કામ ચાલુ હોઇ જીગેબેને મોઢા પર ચુંદડી વીંટાળી રાખી હતી.
આ ચુંદડીનો છેડો પવનને કારણે ઉડીને મશીનમાં આવી જતાં તેણી ચુંદડી સાથે ખેંચાઇ જતાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તરત જ મશીન બંધ કરી જીગેબેનને ગંભીર ઇજા સાથે બહાર કાઢી સારવાર માટે ઉપલેટા સિવિલ, ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને છેલ્લે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ગત સાંજે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાયાવદર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર જીગુબેન બે બહેન અને એક ભાઇમાં નાની હતી. ખેત મજુરી કરી પરિવારને મદદરૂપ થતી હતી. યુવાન આશાસ્પદ દિકરીના મૃત્યુથી સાગઠીયા પરિવારમાં શોક છવાઇ ગયો છે. ભાયાવદર પોલીસે રાજકોટ પહોંચી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
