તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
ધૂળ, ધુમાડો અને ધૂમ્રપાન દમના દર્દીઓ માટે જોખમરૂપ:આજે વિશ્વ અસ્થમા-ડે પર તબીબોનું માર્ગદર્શન
ભારતમાં 3.5 કરોડથી વધુ લોકો દમથી પીડિત, જી.કે. હોસ્પિટલમાં દર મહિને 100 દર્દીઓ લે છે સારવાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ : અસ્થમા અર્થાત્ દમ એ દર્દીઓને હંફાવી નાખતો રોગ છે અને આજે પણ આરોગ્યની ગંભીર સમસ્યા છે. ભારતમાં 3.5 કરોડથી વધુ લોકો દમથી પીડાય છે. દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના રેસ્પિરેટરી વિભાગના તબીબોએ દમના દર્દીઓએ લેવાની કાળજી, વહેલું નિદાન અને સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વિભાગના હેડ ડૉ. કલ્પેશ પટેલે જણાવ્યું કે સામાન્ય રીતે લોકો અસ્થમાના શરૂઆતી લક્ષણોને નજરઅંદાજ કરતા હોય છે, પરિણામે પરેશાની વધી જાય છે. વારંવાર શ્વાસ ચડવો, થોડું ચાલવાથી કે સીડી ચડવાથી હાંફી જવાય, છાતીમાં જકડન લાગે, શ્વાસ લેવામાં મુશ્કેલી, ઠંડી હવામાં ઉધરસ અને ગળામાં સિટી જેવો અવાજ એ દમના મુખ્ય લક્ષણો છે. જી.કે.માં દર મહિને સરેરાશ 100ની આસપાસ દર્દીઓ સારવાર લે છે.
હોસ્પિટલમાં દમની તપાસ માટે પી.એફ.ટી. એટલે કે પલ્મોનરી ફંકશન ટેસ્ટ તેમજ દમને લગતા લોહીની તપાસ કરવામાં આવે છે. તબીબોએ કહ્યું કે દમના દર્દીઓએ જાતે ચકાસી લેવું કે કઈ બાબતથી તકલીફ થાય છે અને તેનાથી દૂર રહેવું.
કારણો અંગે જણાવતા તબીબોએ કહ્યું કે ધૂળ, માટી, રજકણો, પાળતુ જાનવરોના વાળ, ફંગસ એલર્જી, ધુમાડો અને ધૂમ્રપાનને કારણે શ્વાસની નળીઓમાં સોજો વધી જાય છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ ઉપરાંત તણાવ, સખત પર્ફ્યુમ, ચેપ, ફ્લૂ અને શરદી પણ દમ વધારે છે. વધતા પ્રદૂષણ અને બદલાતી જીવનશૈલીને કારણે અસ્થમા વધી રહ્યો છે.
સારવાર અંગે ડૉ. ફોરમ રૂપારેલે કહ્યું કે આજે પણ દમ માટે ઇન્હેલર્સ તાત્કાલિક જરૂરિયાત છે. ઉપાયો અંગે તબીબોએ સલાહ આપી કે દવા અને ઇન્હેલર તબીબની સલાહ મુજબ લેવા, ફાસ્ટફૂડ અને ઠંડા પીણાંથી દૂર રહેવું, માસ્ક પહેરવો, વ્યાયામ અને મહેનતના કામ પહેલા ઇન્હેલર લેવો. શ્વાસ ચડે તો તબીબની સલાહ મુજબ જ દવા લેવી. દમના દર્દીઓએ ફ્લૂની રસી લેવી હિતાવહ છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
