<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સાથે દ્વારકા યુવા પત્રકાર એસોસિએશનની શુભેચ્છક મુલાકાત : વિશેષ સન્માન કરાયું

મુલાકાત દરમિયાન દ્વારકાના સામાજિક, ધાર્મિક અને વિકાસલક્ષી મુદ્દાઓ અંગે થઈ સૌહાર્દપૂર્ણ ચર્ચા : પત્રકારત્વને લોકશાહીની મહત્વની કડી ગણાવતા પ્રમુખ

દીપેશ સામાણી દ્વારા, દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી સાથે દ્વારકા યુવા પત્રકાર એસોસિએશનના સભ્યો દ્વારા એક ખાસ શુભેચ્છક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સૌહાર્દપૂર્ણ બેઠક દરમિયાન ઉપસ્થિત પત્રકાર મિત્રોએ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીનું ભાવભર્યું સન્માન કર્યું હતું અને તેમને આગામી કાર્યો માટે શુભકામનાઓ પાઠવી હતી.

 

સ્થાનિક પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓ પર વિસ્તૃત મંથન:

આ ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન દ્વારકા શહેર તેમજ સમગ્ર જિલ્લાના સામાજિક, ધાર્મિક, વિકાસલક્ષી અને જનહિતને સ્પર્શતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિસ્તૃત અને સકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એસોસિએશનના યુવા પત્રકારોએ સ્થાનિક સ્તરના વિવિધ પ્રશ્નો, વહીવટી તંત્ર પાસેની જનતાની અપેક્ષાઓ અને આ પ્રક્રિયામાં મીડિયાની સક્રિય ભૂમિકા અંગે પોતાના મહત્વના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા.

 

યુવા પત્રકારોની સક્રિય ભૂમિકાને ભાજપ પ્રમુખે બિરદાવી:

યુવા પત્રકારો સાથેના સંવાદ દરમિયાન મયુરભાઈ ગઢવીએ પત્રકારત્વને સશક્ત લોકશાહીની એક અત્યંત મહત્વની કડી ગણાવી હતી. તેમણે જિલ્લાના વિકાસ અને જનજાગૃતિમાં યુવા પત્રકારોની સક્રિય તેમજ સકારાત્મક ભૂમિકાની મુક્તમને પ્રશંસા કરી હતી. આ સાથે જ તેમણે પવિત્ર યાત્રાધામ દ્વારકાના સર્વાંગી વિકાસ માટે મીડિયા અને વહીવટી તંત્ર વચ્ચે હંમેશા સકારાત્મક સહકાર અને સંવાદ સતત જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્ર પ્રસંગે દ્વારકા યુવા પત્રકાર એસોસિએશનના અગ્રણી હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:35 PM IST)