<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

દ્વારકાની સગીરા પર દુષ્‍કર્મ ગુજારી સગર્ભા બનાવવા સબબ આરોપી સાથે તેની માતાને પણ ૨૦ વર્ષની સખત કેદ અને દંડ

ભોગ બનનારને રૂ.૧૧ લાખનું વળતર ચૂકવવા આદેશઃ દ્વારકાની સ્‍પેશિયલ કોર્ટનો મહત્‍વનો ચુકાદો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૨૦: દ્વારકાના એક પરિવારની સગીર વયની પુત્રીને દ્વારકાના રહીશ એવા આસિફ સત્તારભાઈ બેતારા નામના શખ્‍સ દ્વારા તા. ૬ ઓક્‍ટોબર ૨૦૨૨ થી તારીખ ૬ જૂન ૨૦૨૩ સુધીના સમયગાળા દરમિયાન અવારનવાર પોતાના ઘરે બોલાવીને તેણીની મરજી વિરૂધ્‍ધ તેની સાથે શરીર સંબંધ બાંધી, ગર્ભ રાખી દીધો હતો. આરોપી આસિફ સત્તાર બેતારાએ ભોગ બનનાર સાથે પ્રથમ વખત શરીર સંભોગ કર્યો હોવા અંગેની જાણ તેણીના માતા નૂરજહાંબેન સત્તાર વલીમામદ બેતારાને થઈ હોવા છતાં પણ નૂરજહાંબેનએ આરોપી આસીફને અટકાવવાનો પ્રયાસ કરવાના બદલે બનનાર સગીરાને આ બાબતે જો કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, બનનારને બીજા દિવસથી તે જ મુજબ તેણીના ઘરે આવવા ધમકી આપી આરોપી આસીફ સત્તાર બેતરાને ગુનો આચરવામાં દુસ્‍પ્રેરણા આપી હતી. ત્‍યાર બાદ મદદગારી કરવા અને ગુનો છુપાવવા માટે ભોગ બનનારનો ગર્ભ પડાવી નાખવા માટે તેણી સગીરાને અલગ અલગ હોસ્‍પિટલમાં લઈ જઈ અને આ બાબતે જો કોઈને જાણ કરશે તો ભોગ બનનારને તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ વધુમાં જાહેર થયું હતું.

આ અંગેનો કેસ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે દુષ્‍કર્મ સહિતની જુદી જુદી ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી ઈન્‍ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા તપાસના અંતે ગુનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યું હતું. આ કેસ દ્વારકાની એડિશનલ સેશન્‍સ અને સ્‍પે. પોક્‍સો કોર્ટના જજ શ્રી કે.જે. મોદી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ફરિયાદી, ભોગ બનનાર, મેડિકલ ઓફિસર, તપાસનીસ અધિકારી તથા અન્‍ય મહત્‍વના સાહેદોની જુબાની તથા સરકાર તરફે મદદનીશ જિલ્‍લા સરકારી વકીલ અમિતભાઈ વ્‍યાસ દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રહ રાખી, નામદાર અદાલતે આરોપી આસીફ સત્તાર બેતારાને તકસીરવાન ઠેરવી, જુદી જુદી કલમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ તથા આરોપી નૂરજહાંબેન સત્તાર વલીમામદ બેતારાને પણ પોક્‍સો સહિતના જુદા જુદા ગુનામાં ૨૦ વર્ષની સખત કેદ અને રૂપિયા ૧૫,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો.

આ સાથે ભોગ બનનારના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વશન માટે રૂપિયા ૧૧ લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ કરવામાં આવ્‍યો છે. 

(10:08 AM IST)