<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

કચ્છના દુધઈ પાસે ૨.૬ની તીવ્રતાનો ભૂકંપ

મોડી રાત્રે ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટ : તીવ્રતા ઓછી હોવાને કારણે રાહત

રાજકોટ તા.૨૬ : કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠી છે. ગત મોડી રાત્રે કચ્છના દુધઈ નજીક 2.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

સિસ્મોલોજી વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, મોડી રાત્રે અચાનક જ કચ્છ વિસ્તારમાં હળવો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દુધઈ પાસે નોંધાયું હતું. આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 નોંધાઈ છે.

તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી, પરંતુ મોડી રાત્રે અચાનક ઘર ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને થોડીવાર માટે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કચ્છ એ ભૂકંપની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ઝોન-5 માં આવે છે, જ્યાં અવારનવાર આવા નાના-મોટા આંચકા અનુભવાતા રહે છે.

(1:14 PM IST)