<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

નવરાત્રીને લઈ પૂર્વ કચ્છ પોલીસ એલર્ટઃ ગાંધીધામમાં નવરાત્રી મંડળોના પ્રતિનિધિઓ સાથે પરિસંવાદ

કાયદો-વ્યવસ્થા, સુરક્ષા અને આયોજન અંગે પોલીસ તંત્રની સૂચનાઓ; ગાંધીધામ-અંજાર સહિતના તાલુકાના નવરાત્રી મંડળોના હોદ્દેદારો ઉપસ્થિત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૭ :   નવરાત્રી પર્વને અનુલક્ષીને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વિવિધ નવરાત્રી મંડળોના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ પરિસંવાદ યોજાયો હતો. નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, સુરક્ષાની પૂરતી વ્યવસ્થા થઈ શકે તેમજ ગરબા અને અન્ય ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુચારુ આયોજન થાય તે અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પરિસંવાદ દરમિયાન પૂર્વ કચ્છ પોલીસ અધિકારીઓ દ્વારા નવરાત્રી મંડળોના આયોજકોને સુરક્ષા વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થાને લગતી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા સ્થળોએ વ્યવસ્થા, સલામતી અને સંકલન જળવાઈ રહે તે માટે આયોજકો તથા પોલીસ વચ્ચે પરસ્પર સહયોગ અને સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી, અંજારના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, ગાંધીધામ મામલતદાર સિદ્ધિ, એલસીબી પીઆઈ જે.એમ. વાળા, એસઓજી પીઆઈ એમ.સી. વાળા, ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.જે. રાઠોડ, ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોંજીયા, અંજાર પીઆઈ એચ.જે. જાડેજા, રાપર પીઆઈ આર.એલ. ખટાણા, ભચાઉ પીઆઈ ડી.ડી. ઝાલા, ગાગોદર પીઆઈ જી.એસ. સોલંકી, સી.એસ. કુગસીયા, સામખિયાળી પીઆઈ જે.એમ. ઝાલા, દુધઈ પીઆઈ જે.એમ. જાડેજા, બાલાસર પીઆઈ એમ.જી. પરમાર, આડેસર પીઆઈ જે.બી. આચાર્ય સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો તેમજ ગાંધીધામ, અંજાર, ભચાઉ અને રાપર તાલુકાના વિવિધ નવરાત્રી મંડળોના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એલસીબી, એસઓજી તથા વિવિધ પોલીસ મથકોના અધિકારીઓ અને પીએસઆઈ પણ પરિસંવાદમાં જોડાયા હતા. નવરાત્રી પર્વ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર અને નવરાત્રી મંડળોના આયોજકો વચ્ચે સંકલન વધુ મજબૂત બને તે દિશામાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:29 AM IST)