News of Tuesday, 27th October 2026
ફરજ દરમ્યાન મૃત્યુ પામનાર હેડ કોન્સ્ટેબલના પરિવારને પૂર્વ કચ્છ પોલીસ વિભાગનો સહારો
પોલીસ પરિવારે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, રૂ. 14,16,840ની સહાય રકમ પુત્રને અર્પણ કરાઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭ : ફરજ દરમિયાન હૃદયરોગના હુમલાથી જીવ ગુમાવનાર હેડ કોન્સ્ટેબલ કાંતિસિંહ રાજપૂતના પરિવારને આર્થિક સહારો આપવા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગ આગળ આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રૂ. 14,16,840ની સહાય રકમ તેમના પુત્ર ઉમેદસિંહ રાજપૂતને અર્પણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાપર પોલીસ સ્ટેશનમાં 112ની ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કાંતિસિંહ રાજપૂતનું તાજેતરમાં ચાલુ ફરજ દરમિયાન હૃદયરોગનો હુમલો આવતાં દુઃખદ અવસાન થયું હતું. તેમના અચાનક નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
આ મુશ્કેલ ઘડીમાં પરિવારને આર્થિક ટેકો મળી રહે તેવા માનવીય અભિગમ સાથે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો. જેમાં કુલ રૂ. 14,16,840ની રકમ એકત્ર થઈ હતી. આ સહાય રકમ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના હસ્તે સ્વર્ગસ્થ કાંતિસિંહ રાજપૂતના પુત્ર ઉમેદસિંહ રાજપૂતને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વર્ગસ્થ કાંતિસિંહ રાજપૂતના ભાઈ, પિતા તેમજ રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એલ. ખટાણા સહિતના પોલીસ અધિકારીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ વિભાગની આ પહેલ માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ ફરજ દરમિયાન સાથી કર્મચારીને ગુમાવનાર પોલીસ પરિવાર દ્વારા તેમના પરિવાર પ્રત્યે વ્યક્ત કરવામાં આવેલી લાગણી, સંવેદના અને જવાબદારીનું પણ પ્રતીક છે. દુઃખની આ ઘડીમાં મળેલો આ સહયોગ પરિવારને મુશ્કેલ સમયનો સામનો કરવામાં હિંમત અને હૂંફ પૂરી પાડશે. (તસવીર: મુકેશ રાજગોર,રાપર)
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
