તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
ચલાલામાં સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી એકતા યાત્રા યોજાઈ, સ્વદેશી મેળો ખુલ્લો મુકાયો

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૪: ચલાલામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ચલાલા નગરપાલિકા દ્વારા એકતા યાત્રા અને સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જે.વી. કાકડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ સમાજના આગેવાનો, સંતો-મહંતો, નગરજનો, રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ જોડાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમનો પ્રારંભ ચલાલાની પટેલ વાડી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તથા પુષ્પવર્ષા સાથે કરવામાં આવ્યો હતો. સરદાર પટેલના ગૌરવશાળી સ્મરણો અને 'સરદાર જિદાબાદ'ના ગગનભેદી નારા સાથે ડીજેના તાલે એકતા યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં વિશાળ સંખ્યામાં નગરજનો, દરેક સમાજના આગેવાનો, ધાર્મિક સ્થાનોના સંતો-મહંતો, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો, નગરપાલિકાના સદસ્યો, શહેર ભાજપની ટીમ અને નગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા.
એકતા યાત્રાનું માનવ મંદિર ખાતે પૂજ્ય મંજુદીદી અને જયસુખભાઈ ચૌહાણ દ્વારા તિલક કરી પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. માનવ મંદિર તરફથી યાત્રામાં જોડાયેલા તમામ લોકો માટે ઠંડા પીણાંની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ત્યારબાદ યાત્રા જૂની નગરપાલિકા પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસે પહોંચી હતી, જ્યાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પુષ્પાંજાલિ અર્પણ કરી 'સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો', 'સરદાર જિદાબાદ' અને 'ભારત માતાકી જય'ના નારાઓ સાથે ભાવાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કન્યા શાળાના ગ્રાઉન્ડ ખાતે એકતા યાત્રાનું સમાપન થયું હતું.
એકતા યાત્રા બાદ કન્યા શાળાના ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના મહિલા પ્રમુખ ભૂમિબેન જયરાજભાઈ વાળા, ધારાસભ્ય જે.વી. કાકડિયા, લઘુમહંત મહાવીરબાપુ ભગત અને અમરેલી જિલ્લા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરિયા અમરેલી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગીતાબેન પ્રકાશભાઈ કારીયા સહિતના મહાનુભાવોના હસ્તે રિબીન કાપી સ્વદેશી મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ચલાલા નગરપાલિકા ટીમ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ પતિ જયરાજભાઈ વાળાએ મહાનુભાવો અને નગરજનોને આવકાર્યા હતા.
સ્વદેશી મેળામાં સ્થાનિક વેપારીઓ અને વ્યવસાયકારોને પ્રોત્સાહન મળે તેવા હેતુથી અંદાજે ૨૦ જેટલા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. મહાનુભાવો તથા નગરજનોએ તમામ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ બાળકો માટે બાળ ક્રીડાંગણની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે મેળામાં બાળકો સહિત પરિવારજનોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન શ્રી જયરાજભાઈ વાળાએ ચલાલાના વિકાસ અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરતાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં શહેરમાં નવા સર્કલો, આધુનિક લાઇટિગ અને ડેકોરેશનની સુવિધાઓ, નવા સીસી રોડ, અંદાજે રૂ. ૭ કરોડના ખર્ચે આધુનિક ઓડિટોરિયમ, નવું એસ.ટી. બસ સ્ટેન્ડ તેમજ નવું આરોગ્યધામ સહિતનાં અનેક વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરી વિકાસના નવા અધ્યાયનો પ્રારંભ કરવામાં આવશે.
કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત ધારાસભ્ય જે.વી. કાકડિયા, લઘુમહંત મહાવીરબાપુ ભગત, જિલ્લા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરિયા અને ગાયત્રી સંસ્કારધામના વડા ડો. રતિદાદા મહેતા સહિતના મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન કરી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાન અને રાષ્ટ્રીય એકતાના મહત્ત્વને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી.
સ્વદેશી મેળાના માધ્યમથી સ્થાનિક વેપારીઓ, નાના ઉદ્યોગો અને સ્વરોજગારને પ્રોત્સાહન મળે તે માટે નગરજનોએ પોતાની જરૂરિયાત મુજબ સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી 'વોકલ ફોર લોકલ'ના મંત્રને સાકાર કરવા મહાનુભાવોએ આહવાન કર્યું હતું.
આ પ્રસંગે ઉદયબાપુ ભગત, ભોજલરામ સેવા સહકારી મંડળીના ચેરમેન શ્રી ગોરધનભાઈ ગેડિયા ચલાલા પોલીસ સ્ટેશનના પી.આઈ. ભાસ્કન પી.એસ.આઈ. રતન ગઢવી, અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગીતાબેન કારીયા, અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ભયલુભાઈ વાળા, પટેલ વાડીના પ્રમુખ ઘનશ્યામભાઈ કાકડિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિમતભાઈ દોંગા, નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવિયા, શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા, સિધ્ધાર્થ ભાઈ ભગત, મનોજભાઈ બગસરીયા, સંગમ ફાઉન્ડેશનના વિવેકભાઈ તળાવીયા, હર્ષદભાઈ રાવળ, ધીરુભાઈ મકવાણા, વેપારી અગ્રણી અશ્રવીનભાઈ કાસડીયા, સંજયભાઈ ભુવા, ભાયલાલભાઈ જીયાણી, કમલેશભાઈ વિઠલાણી જયરાજભાઈ જેબલીયા,વનરાજ ભાઈ જેબલીયા નગરપાલિકાના સદસ્યો પરેશભાઈ કાથરોટિયા, તેજસભાઈ ગોસાઈ, મનસુખભાઈ ગેડિયા, અવિરતભાઈ માલા, કૌશિકભાઈ પરમાર, હિતેશભાઈ રામાણી, મનસુખભાઈ કાથરોટિયા, દલસુખભાઈ ગોહિલ, લાલભાઈ વાળા, ધનજીભાઈ કાથરોટિયા, નરેશભાઈ પરમાર, પત્રકાર બીપીનભાઈ રાઠોડ, અશોકભાઈ જોશી, પ્રતાપભાઈ વાળા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સ્ટેજ સંચાલન દાનેવ પ્રાથમિક શાળાના શિક્ષક ઉમેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડ નંબર-૨ના જાગૃત સદસ્ય પરેશભાઈ કાથરોટિયા, નગરપાલિકાના તમામ સદસ્યો અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
