News of Thursday, 14th May 2026
જામનગરમાં ડિમોલિશન દરમિયાન વૃદ્ધ દંપતીનો ઉગ્ર વિરોધ: “આશરો તોડશો તો પથ્થરમારો કરીશું” કહી જેસીબી આગળ આડા ઊભા રહ્યા :જુઓ વિડિયો
40 વર્ષથી રહેતા નંદુબેને કહ્યું- પુત્રના અવસાન બાદ વિધવા પુત્રવધૂ અને બે પૌત્રો સાથે અહીં જ ગુજરાન ચલાવીએ છીએ; પોલીસ-મનપાએ સમજાવી કામગીરી પૂર્ણ કરાવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૪ : મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન એક વૃદ્ધ દંપતીએ ભારે વિરોધ નોંધાવતા તંગદિલી સર્જાઈ હતી. ડિમોલિશનની ટીમ સ્થળ પર પહોંચતા જ વૃદ્ધ દંપતી પોતાનું મકાન બચાવવા જેસીબી મશીન આગળ જ આડા ઊભા રહી ગયા હતા અને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ વૃદ્ધ દંપતીએ જેસીબી ચાલકને રોકતા ચેતવણી ઉચ્ચારી હતી કે, “જો અમારી જગ્યા પર જેસીબી ચલાવશો તો પથ્થરમારો કરીશું.” મહાનગરપાલિકાના સિક્યોરિટી જવાનો અને કર્મચારીઓએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ શરૂઆતમાં તેઓ કોઈની વાત સાંભળવા તૈયાર ન હતા.
થોડા સમય માટે સ્થળ પર ગડબડભર્યો માહોલ સર્જાતા કામગીરી અટકાવવી પડી હતી. બાદમાં પોલીસ અને મનપાના અધિકારીઓએ વૃદ્ધ દંપતીને શાંતિપૂર્વક સમજાવી સાઈડમાં ખસેડ્યા હતા. પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ મહાનગરપાલિકાની ટીમે ડિમોલિશનની આગળની કાર્યવાહી પૂર્ણ કરી હતી. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
દરમિયાન નંદુબેન નામના બુઝુર્ગ મહિલાએ દર્દ અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, “અમે આજથી 40 વર્ષ પહેલા આ જગ્યા શાંતિલાલ નામની વ્યક્તિ પાસેથી વેચાતી લીધી હતી અને ત્યારથી અહીં રહીએ છીએ. મારા પુત્રનું અવસાન થઈ ગયું છે. તેની વિધવા પત્ની અને બે સંતાનોને રાખીને આખા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ.”
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
