<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

વાંકાનેરના ખાનપરમાં વૃધ્‍ધ સગરામભાઇને ૮ જણાએ પતાવી દીધા

૨૦ વર્ષની પોત્રી હેતલના સાત મહિના પહેલા જ લગ્ન થયા હતાં: પણ ચાર મહિના પહેલા તે ખાનપરના દેવાભાઇના દિકરા કિશન મકવાણા સાથે પકડાતાં બે મહિના પહેલા છુટાછેડા કર્યા હતાં: ગઇકાલે સવારે કિશન તેણીને ભગાડી ગયા બાદ રાતે દાદા સગરામભાઇ સહિતના પૃછા કરવા દેવાભાઇના ઘરે જતાં હુમલો થયોઃ હત્‍યાથી સરવૈયા-કોળી પરિવારમાં કલ્‍પાંત : દેવા મકવાણા, કિરણ દેવા, વિપુલ દેવા, રાજુ છના, મનસુખ છના, ભરત મનસુખ, વિરમ મનસુખ અને જેમા સોમાએ લાકડી-ધોકા-કડાથી હુમલો કર્યોઃ વૃધ્‍ધે રાજકોટમાં દમ તોડયોઃ દિકરા હેમાભાઇ સરવૈયાની ફરિયાદ પરથી પીઆઇ બી. વી. પટેલ, પીએસઆઇ ડી.વી. ખાંભલાએ ગુનો નોંધ્‍યોઃ હુમલામાં ત્રણને ઇજા

હત્‍યાનો ભોગ બનેલા સગરામભાઇ સરવૈયાનો નિષ્‍પ્રાણ દેહ અને ફાઇલ ફોટો (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૧૪.૭)

રાજકોટ તા. ૮: વાંકાનેરના ખાનપર ગામે કોળી વૃધ્‍ધ સગરામભાઇ સરવૈયાની હત્‍યાની ઘટના બનતાં ચકચાર મચી ગઇ છે. ગામના જ આઠ શખ્‍સોએ મંડળી રચી ધોકા-લાકડી-હાથમાં પહેરવાના કડાથી હુમલો કર્યો હતો. વૃધ્‍ધને માથામાં ફટકો લાગી જતાં જીવલેણ નીવડયો હતો. આ વૃધ્‍ધની પોૈત્રી હેતલ જેના બે મહિના પહેલા જ છુટાછેડા થયા છે તેને ખાનપરાના દેવાભાઇ કોળીનો દિકરો કિશન ગઇકાલે સવારે ભગાડી ગયો હોઇ આ બાબતે સગરામભાઇ, તેમના દિકરા સહિતના લોકો દેવાભાઇના ઘરે રાતે પુછતાછ કરવા જતાં ટોળકી રચી હુમલો કરાયો હતો. જેમાં બીજા ત્રણેક લોકોને ઇજા પહોંચી હતી. 

જાણવા મળ્‍યા મુજબ ખાનપરમાં રહેતા સગરામભાઇ સામતભાઇ સરવૈયા-કોળી (ઉ.વ.૬૫) ઉપર ગત રાતે ગામમાં જ હુમલો થતાં ગંભીર ઇજા થતાં વાંકાનેરથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમણે દમ તોડી દીધો હતો. આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે હત્‍યાનો ભોગ બનેલા સગરામભાઇ સામતભાઇ સરવૈયા-કોળી (ઉ.વ.૬૫)ના પુત્ર હેમુભાઇ સગરામભાઇ સરવૈયા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી ખાનપર ગામમાં જ રહેતાં દેવા ઉકાભાઇ મકવાણા-કોળી, કિરણભાઇ દેવા મકવાણા, વિપુલ દેવા મકવાણા, રાજુ છના મકવાણા, મનસુખ છના મકવાણા, ભરત મનસુખ મકવાણા, વિરમ મનસુખ મકવાણા અને જેમા સોમા મકવાણા વિરૂધ્‍ધ ટોળકી રચી લાકડી-ધોકા-હાથમાં પહેરવાના કડાથી હુમલો કરી સગરામભાઇને બેફામ માર મારી મોત નિપજાવવાનો અને હેમુભાઇ સહિતનાઓને માથામાં લાકડીના ઘા ફટકારી ઢીકાપાટા મારવાનો ગુનો નોંધ્‍યો છે.

હેમુભાઇ ખાનપર ગામે પરિવાર સાથે રહે છે અને ગામમાં શ્રીખોડીયાર પાન નામે દુકાન ચલાવે છે. હત્‍યાનો ભોગ બનેલા તેના પિતાજી સગરામભાઇ સરવૈયા નિવૃત જીવન જીવતાં હતાં. હેમુભાઇના માતાનું નામ હીરૂબેન છે. સગરામભાઇને સંતાનમાં બે દિકરા અને દિકરી છે. જેમાં મોટા સુરેશભાઇને ચાર સંતાન છે. જેમાંથી મોટી દિકરી હેતલ (ઉ.વ.૨૦)ના લગ્ન સાત મહિના પહેલા વાંકાનેરના ખાખરાથરના યુવાન સાથે થયા હતાં. પણ બે મહિના પહેલા જ તેણીના છુટાછેડા થઇ ગયા હતાં.

બુધવારે ૭મીએ સવારે  સુરેશભાઈસગરામભાઇ સરવૈયાની દિકરી હેતલ (ઉં.વ. ૨૦) સવારના છ વાગ્‍યાના સુમારે ઘરે હાજર ન મળી આવતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી. હેતલના લગ્ન બાદ આજેથી ચારેક મહિના પહેલા તેણી ખાનપરના કિશન દેવાભાઇ મકવાણા સાથે પકડાઇ હતી. આથી તેના બે મહિના અગાઉ છુટાછેડા કરી નખાયા હતાં. સવારે તેઘરમાંથી ગાયબ હોઇ તેને કિશન મકવાણા ભગાડી ગયાનું લાગતાં હેમુભાઇ સહિતના પરિવારજનો દેવાભાઇને ત્‍યાં કિશન વિશે તપાસ કરવા ગયા હતાં. પરંતુ સવારે કિશનના ઘરે કોઈ મળી આવ્‍યું નહોતું અને રસ્‍તામાં મળેલા તેના પિતા દેવાભાઈએ પણ કિશન કે હેતલ બાબતે કોઈ યોગ્‍ય જવાબ આપ્‍યો નહોતો.

ત્‍યારબાદ ગત રાત્રિના આશરે દશેક વાગ્‍યાના સુમારે હેમુભાઇ સરવૈયા, તેમના પિતાજી સગરામભાઈ સામતભાઈ સરવૈયા, મોટાભાઈ સુરેશભાઈ, મોટા બાપુના પુત્રો ગોરધનભાઈ પોપટભાઈ સરવૈયા, જેસાભાઈ પ્રમજીભાઈ સરવૈયા, મેઘાભાઈ પ્રેમજીભાઈ સરવૈયા તથા ફોઈના દીકરા રઘાભાઈ ધનાભાઈ ડાભી (રહે. સરધારકા) એકઠા થઈને કિશનના ઘરે હેતલ બાબતે પૂછપરછ કરવા ગયા હતા. તે સમયે ત્‍યાં કિશનના પિતા દેવાભાઈ ઉકાભાઈ મકવાણા, કિરણભાઈ દેવાભાઈ મકવાણા, વિપુલભાઈ દેવાભાઈ મકવાણા, રાજુભાઈ છનાભાઈ મકવાણા, મનસુખભાઈ છનાભાઈ મકવાણા, ભરતભાઈ મનસુખભાઈ મકવાણા, વિરમભાઈ મનસુખભાઈ મકવાણા અને જેમાભાઈ સોમાભાઈ મકવાણા  હાજર હતા.  હેતલ અને કિશન વિશે પુછપરછ કરતાં જ આ લોકો ઉશ્‍કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઝઘડો કરવા લાગ્‍યા હતા.

ઝઘડા દરમિયાન આ તમામ શખ્‍સો ઘરમાંથી તથા આજુબાજુમાંથી લાકડીઓ અને ધોકાઓ કાઢી આવ્‍યા હતા અને હુમલો કરી દીધો હતો. જેમાં દેવાભાઈ મકવાણાએ લાકડનો એક ઘા સગરામભાઈ સરવૈયાના માથાના પાછળના ભાગે મારતાં તેઓ બેભાન થઈ નીચે ઢળી પડ્‍યા હતા. જ્‍યારે રાજુભાઈ છનાભાઈએ હેમભાઇને માથામાં લાકડી મારતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. વચમાં છોડાવવા પડેલા રઘાભાઈ ડાભીને પણ દેવાભાઈએ હાથમાં પહેરેલા કડા વડે માથામાં મારતાં માથામાંથી લોહી નીકળવા લાગ્‍યું હતું. આ સિવાય અન્‍ય શખ્‍સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. તે સમયે ગામના અરજણભાઈ બેચરભાઈ સરવૈયાએ વચ્‍ચે પડી બધાને વધુ મારમાંથી છોડાવ્‍યા હતા.

ઈજાગ્રસ્‍ત સગરામભાઈ બોલી-ચાલી શકવાની સ્‍થિતિમાં ન હોઇ તેમને તાત્‍કાલિક મોટરસાઈકલ અને ત્‍યારબાદ હેમુભાઇની બ્રેઝા કાર મારફતે વાંકાનેર સરકારી હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવ્‍યા હતા. જ્‍યાં પ્રાથમિક સારવાર આપ્‍યા બાદ માથામાં ગંભીર ઈજા હોવાથી ડોક્‍ટરે રાજકોટ અથવા મોરબી લઈ જવા જણાવાતાં ગોરધનભાઈ અને પ્રવીણભાઈ ચતુરભાઈ ૧૦૮ મારફતે સગરામભાઈને રાજકોટ સરકારી હોસ્‍પિટલ લઈ ગયા હતા. જ્‍યાં તબીબોએ તેમને તપાસી મળત જાહેર કર્યા હતા. બીજી તરફ ઈજાગ્રસ્‍ત હેમુભાઇ અને રઘાભાઈ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્‍યા ત્‍યારે પિતાના મોત અંગેની જાણ થઈ હતી.

વાંકાનેર તાલુકા પીઆઇ બી. વી. પટેલ, પીએસઆઇ ડી.વી. ખાંભલા સહિતે હેમુભાઇ સરવૈયાની ફરિયાદ પરથી તેના જ ગામના આઠ શખ્‍સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હત્‍યાનો ભોગ બનેલા સગરામભાઇ ત્રણ ભાઇ અને પાંચ બહેનમાં નાના હતાં. તેમની પોૈત્રીને ભગાડી જવાઇ હોઇ આ અંગે ગામના જ દેવાભાઇના દિકરા કિશન પર શંકા હોઇ દેવાભાઇના ઘરે બધા પુછતાછ કરવા જતાં હત્‍યાની આ ઘટના બની હતી. આ બનાવથી ખાનપર ગામમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

(10:55 AM IST)