<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

પોરબંદર મહાનગરપાલિકાની ૪૧ બેઠકો માટે ૧૦૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ

જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી દ્વારા મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ : જિલ્લા પંચાયતની ૧૬ બેઠકો ઉપર ચૂંટણી યોજાશેઃ પોરબંદર તાલુકા પંચાયતની ૧૮ બેઠકો અને રાણાવાવ તાલુકા પંચાયતની ૧૪ બેઠકો તેમજ કુતિયાણા તાલુકા પંચાયતની ૧૫ બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે : પોરબંદર મહાનગર પાલિકામાં ૧૧ બેઠકો અને જિલ્લા પંચાયતની ૨ બેઠકો અગાઉથી બિનહરીફ જાહેર થયેલ છે ૧ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ૨૮મીએ મતગણતરી થશે : સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની વોર્ડ નં.૬ની ખાલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૫:  જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી શ્રી એસ. ડી. ધાનાણીના જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૬ અંગે વિસ્તૃત માહિતી અપીને મદાનના દિવસે મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લાના મતદારોને અપીલ કરી છે.

પોરબંદર જિલ્લામાં આગામી ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પોરબંદર જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી શ્રી એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે, પોરબંદર મહાનગર પાલિકાની ૫૨ બેઠકો પૈકી ૧૧ બેઠકો બિનહરીફ જાહેર થતા હવે ૪૧ બેઠકો પર ૧૦૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે, જેના માટે ૧,૪૩,૧૧૪ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તેવી જ રીતે, જિલ્લા પંચાયતની ૧૮ બેઠકોમાંથી ૨ બેઠકો બિનહરીફ થતા ૧૬ બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તાલુકા પંચાયતોમાં પણ પોરબંદરની ૧૮ બેઠકો, રાણાવાવની ૧૪ બેઠકો અને કુતિયાણાની ૧૫ બેઠકો માટે ચૂંટણી યોજાશે. વધુમાં, રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની વોર્ડ નં. ૬ની ખાલી બેઠકો માટેની પેટાચૂંટણી પણ આ જ દિવસે યોજવામાં આવશે.

ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વિવિધ ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈવીએમ અને ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના ભંગ બદલ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. રાણાવાવના બરડા ડુંગર જેવા અંતરિયાળ ફોરેસ્ટ વિસ્તારોમાં જ્યાં મોબાઈલ નેટવર્કની સુવિધા નથી, ત્યાં ચૂંટણીલક્ષી સંદેશાવ્યવહાર માટે વાયરલેસ સેટ અને વોકી-ટોકીનો ઉપયોગ કરવામાં આવશે. ૨૬મીએ મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ નિયત રીસીવીંગ સેન્ટરો પર લાવી ૨૮ એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે.

મતદારોને જાગૃત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી એસ.ડી.ધાનાણીએ વિશેષ સૂચના આપી હતી કે શહેરી વિસ્તારમાં મલ્ટી-વોટિંગ સિસ્ટમ હોવાથી મતદારે પોતાના મનપસંદ ઉમેદવારોના બટન દબાવ્યા બાદ છેલ્લે રજીસ્ટર (પીળા રંગનું) બટન દબાવવું અનિવાર્ય છે, જે આ પ્રક્રિયાનો મહત્વનો ભાગ છે. જ્યારે પંચાયતની ચૂંટણીમાં મતદારોએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે અલગ-અલગ બે ઈવીએમ મશીનનો ઉપયોગ કરવાનો રહેશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જળવાઈ રહે અને આચારસંહિતાનું ઉલ્લંઘન ન થાય તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

(11:32 AM IST)