હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગરના જામવાળી ગામે પીજીવીસીએલ અને પોલીસ પ્રશાસન દ્વારા વીજ ચોરો તેમજ ગુનેગારો સામે કરાયું આકરા પ્રહારો સાથેનું મેગા ઓપરેશન
મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ગામમાંથી કાયદાના ધજાગરા ઉડાવતા ૫૭ ગેરકાયદેસર વીજ જોડાણો ઝડપી પાડવામાં આવ્યા : વીજ માફિયાઓ અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વીજળીની ખુલ્લેઆમ થતી ચોરીને ડામવા માટે પ્રશાસન દ્વારા એક પ્રશંસનીય અને અત્યાર સુધીનું સૌથી મોટું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) ના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલાની સંયુક્ત ટીમે જિલ્લાના જામવાળી ગામે એકાએક દરોડા પાડીને મોટું ઓપરેશન પાર પાડ્યું છે. તંત્રની આ અણધારી અને વ્યાપક કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના વીજ ચોરો અને અસામાજિક તત્વોમાં ભારે નાસભાગ સાથે ફફડાટ વ્યાપી ગયો છે.
આ સંયુક્ત મેગા સર્ચ ઓપરેશન દરમિયાન પીજીવીસીએલની ટેકનિકલ ટીમે પોલીસ સુરક્ષાની હાજરીમાં ગામના અલગ-અલગ વિસ્તારોમાં ઘરો, ખેતરો અને વ્યાપારી એકમોમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું હતું. સઘન તપાસના અંતે ગામમાંથી કાયદાના ધજાગરા ઉડાવતા કુલ ૫૭ જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો એટલે કે ડાયરેક્ટ આંકડા ભરાવીને થતી લાઈટ ચોરી ઝડપી પાડવામાં આવી છે. આ તમામ જોડાણોને સ્થળ પર જ કાપી નાખીને તંત્ર દ્વારા કાયદેસરની આકરી કલમો હેઠળ દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જામવાળી ગામે જ્યારે પોલીસ પ્રશાસન અને પીજીવીસીએલની ગાડીઓનો મોટો કાફલો એકસાથે પ્રવેશ્યો ત્યારે વીજ ચોરી કરતા તત્વોમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઓપરેશન માત્ર વીજ ચોરી પકડવા પૂરતું મર્યાદિત ન હતું, પરંતુ ગામમાં આશ્રય લઈને બેઠેલા ગુનેગારો અને શંકાસ્પદ તત્વો પર નજર રાખવા માટે પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારોમાં પણ સઘન કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની હાજરીના કારણે વીજ ચેકિંગ સ્ટાફને કોઈપણ પ્રકારના સ્થાનિક વિરોધ વિના શાંતિપૂર્ણ રીતે ઓપરેશન પૂર્ણ કરવામાં મોટી સફળતા મળી હતી.
સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા અને ઈમાનદાર ગ્રાહકોના હકો પર ત્રાપ મારતા આવા તત્વો સામે આગામી દિવસોમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય સંવેદનશીલ ગામોમાં આ પ્રકારની કડક ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વીજ ચોરીના કેસોમાં કોઈપણ પ્રકારની રાજકીય કે સામાજિક વગ ચલાવી લેવામાં આવશે નહીં અને પકડાયેલા તમામ આસામીઓ સામે ફોજદારી ગુના નોંધીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
