<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

"રોયલ સ્ટેગ"ની ખાલી બોટલોમાં મિથેનોલ ભરી ‘મોતનું મિશ્રણ’ વેચ્યું : ભાવનગર લઠ્ઠાકાંડમાં ૭ મોત બાદ દારૂની ૫૧ પેટી ક્યાં-ક્યાં પહોંચી તેની શોધખોળ

બુટલેગરોએ ૫૧ પેટી નકલી દારૂ બજારમાં ઠાલવ્યો હોવાનુ ખુલ્ર્યુ : ૩૮.૫૯% મિથેનોલ મળ્યું : ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસના ૪ કર્મચારી સસ્પેન્ડ

ભાવનગર, તા. ૨૦ : ભાવનગર જિલ્લામાં ફરી એક વખત લઠ્ઠાકાંડે હાહાકાર મચાવ્યો છે. બુટલેગરોએ રોયલ સ્ટેગની ખાલી બોટલોમાં મિથેનોલ મિશ્રિત ઝેરી પ્રવાહી ભરીને નકલી દારૂ તૈયાર કર્યો હતો. આ ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૭ લોકોના મોત થયા છે જ્યારે ૨૧થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓએ અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી સફેદ ઝેરી પ્રવાહી, ખાલી બોટલો, ઢાંકણા અને સ્ટીકરો મંગાવીને નકલી દારૂની ફેક્ટરી ચલાવતા હતા. ફોરેન્સિક તપાસમાં આ દારૂમાં ૩૮.૫૯ ટકા જેટલું મિથેનોલ હોવાનું સાબિત થયું છે.

આરોપીઓએ કુલ ૫૧ પેટી નકલી દારૂ તૈયાર કરી ભાવનગરના વિવિધ વિસ્તારોમાં વેચાણ માટે મોકલી હતી. હાલ પોલીસ તે ૫૧ પેટી ક્યાં-ક્યાં પહોંચી તેની કડી શોધી રહી છે.

આ મામલે પોલીસે ૨૧ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. બેદરકારી બદલ વરતેજ પોલીસ મથકના ૪ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર કેસની તપાસ રાજ્ય મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

(9:50 AM IST)