<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

કેશોદ પાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની આતુરતાનો અંતઃ સંભવતઃ૧૯ મી એ જનરલ બોર્ડ

એક સપ્તાહ બાદ પ્રમુખ તરીકે ચૂંટાઈ ભાજપ સત્તાનું સુકાન સંભાળશે : રાજકીય વર્તુળો જેની રાહમાં હતા તે જનરલ બોર્ડની બેઠકને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે સ્‍થાનિક રાજકારણમાં ગરમાવો

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૯: સ્‍થાનિક કેશોદ નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગામી એક સપ્તાહ બાદ પાલિકા નું સુકાન સંભાળી કાર્યરત થનાર હોવાનું જાણવા મળેલ છે. આંતરિક વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ જનરલ બોર્ડની બેઠક સંભવત આગામી તારીખ ૧૯ ના રોજ મળનાર હોવાનું નિશ્ચિત મનાઈ રહેલ છે.

તાજેતરમાં નવ વોર્ડ નુ સીમાંકન ધરાવતી સ્‍થાનિક કેશોદ નગરપાલિકાની ૩૬ બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં ભાજપના ફાળે ૩૩ બેઠક તથા કોંગ્રેસ ના ફાળે ત્રણ બેઠક આવેલ હતી.

ગત તારીખ ૨૬ ના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ નગરપાલિકામાં નવી બોડી ક્‍યારે સત્તા નુ સુકાન સંભાળશે એ તરફ રસ ધરાવતા સૌ કોઈ ની નજર હતી. બીજી તરફ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ જનરલ બોર્ડની બેઠક મળે તેની 'કાગ ડોળે' રાહ માં હતા આ સ્‍થિતિ વચ્‍ચે કહેવાય છે કે જનરલ બોર્ડ ની તારીખ ફિક્‍સ થઈ ગયેલ હોય ટૂંક સમયમાં જ અંગે ચૂંટાયેલ પ્રતિનિધિઓ ની અતુરતા નો અંત આવી જશે.

આ અંગે આંતરિક વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ આગામી તારીખ ૧૯ ના રોજ બપોરના ૩ કલાકે પ્રાંતઃ અધિકારીશ્રી ના અધ્‍યક્ષ સ્‍થાને ૨૦૨૬ ના વર્ષની નવી બોડી માટે સૌપ્રથમ જનરલ બોર્ડની બેઠક મળનાર હોવા નો નિર્ણય લેવાય ગયેલ હોવાનું જાણવા મળેલ છે. જોકે હજુ સત્તાવાર રીતે આ અંગે એજન્‍ડા બહાર પડેલ નથી.

દરમિયાન પાલિકામાં ભાજપને એક તૃતીયાંશ કરતા પણ વધારે બેઠક મળેલ હોય ત્‍યારે પાલિકાની શાસન ધૂરા ભાજપ સંભાળશે. અત્રે નોંધનીય છે કે, ૨૦૨૬ ના વર્ષની નવી બોડી માટે પ્રથમ ટર્મ ના અઢી વર્ષ પ્રમુખ પદ માટે બક્ષીપંચ વર્ગ ના મહિલા માટે આ રક્ષિત છે તથા બીજી ટર્મ ના અઢી વર્ષ પ્રમુખ પદ સામાન્‍ય વર્ગ માટે છે.

સ્‍થાનિક પાલિકામાં પ્રથમ પ્રમુખ પદ માટે ટર્મ બક્ષીપંચ ષી વર્ગ માટે અનામત છે. ત્‍યારે ભાજપમાં સમાવિષ્ટ વોર્ડ નંબર ૧ , ૩ , ૫ , ૮ અને ૯ ના મળીને કુલ પાંચ મહિલા ઉમેદવાર પ્રમુખ પદની રેસમાં છે. આગામી સમયમાં મળનાર જનરલ બોર્ડમાં નવા મહિલા પ્રમુખ ને ચૂંટી કાઢવામાં આવશે. હાલ જનરલ બોર્ડ ની બેઠક મળવાને માત્ર ગણત્રી ના દિવસો બાકી છે ત્‍યારે સ્‍થાનિક રાજકારણ માં ગરમાવો આવેલ છે

(11:10 AM IST)