તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
જૂનાગઢ જિલ્લાના માછીમારોની બોટના એન્જીન થંભી જશે : 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી દરિયો ખેડવા પર પ્રતિબંધ
યાંત્રિક બોટો, ટ્રોલર્સ અને ઊંડા દરિયામાં જતા જહાજોને દરિયામાં જવા પર સખત મનાઈ રહેશે: મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર

ગુજરાતના સાગરપુત્રો અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માછીમારો માટે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા એક મહત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. ચોમાસાની ઋતુ અને માછલીઓના પ્રજનન તેમજ સંવર્ધન કાળને ધ્યાનમાં રાખીને પશ્ચિમ દરિયાઈ કાંઠા પર દરિયો ખેડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને તમામ માછીમારોને સૂચિત કરવામાં આવ્યા છે.
સરકારી જાહેરનામા અનુસાર, આંતર્દેશીય અને પ્રાદેશિક જળ વિસ્તારમાં માછીમારી કરવા પર કુલ 61 દિવસનો સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ વાર્ષિક ફિશિંગ બાન આગામી 1 જૂનથી શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન યાંત્રિક બોટો, ટ્રોલર્સ અને ઊંડા દરિયામાં જતા જહાજોને દરિયામાં જવા પર સખત મનાઈ રહેશે. માછીમારો આ વેકેશનના સમયમાં પોતાની બોટોનું સમારકામ અને સામાજિક પ્રસંગો આટોપશે.
મત્સ્યોદ્યોગ વિભાગે પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે, આ પ્રતિબંધ તમામ મોટી અને યાંત્રિક બોટો માટે છે, પરંતુ પરંપરાગત રીતે રોજગાર મેળવતા નાના માછીમારોને આમાંથી રાહત અપાઈ છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
