<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

જામનગર જિલ્લાના 12 ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ : રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો નિર્ણય : પિરોટન ટાપુ પર વન વિભાગની મંજૂરી ફરજિયાત

આ ટાપુઓ પર ધાર્મિક સ્થળો હોવાથી અવરજવર રહે છે, પરંતુ રાષ્ટ્રવિરોધી તત્વો, દાણચોરી, હથિયારો કે નશાકારક પદાર્થ છુપાવવા માટે તેનો ઉપયોગ થવાની સંભાવનાને ધ્યાને લઈને પગલું લેવાયુ

(મુકુન્દ બદીયાણી દ્વારાજામનગર, તા. 15  : જામનગર જિલ્લો આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ સંવેદનશીલ જિલ્લો હોવાથી જિલ્લાના 12 દરિયાઈ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

 

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી દ્વારા BNSS 2023 ની કલમ 163 હેઠળ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 12 ટાપુઓ છે, જેમાંથી માત્ર પિરોટન ટાપુ પર માનવ વસાહત છે, બાકીના નિર્જન છે. આ ટાપુઓ પર ધાર્મિક સ્થળો હોવાથી અવરજવર રહે છે, પરંતુ રાષ્ટ્રવિરોધી તત્વો, દાણચોરી, હથિયારો કે નશાકારક પદાર્થ છુપાવવા માટે તેનો ઉપયોગ થવાની સંભાવનાને ધ્યાને લઈ આ પગલું લેવાયું છે.

 

પ્રવાસીઓએ પિરોટન ટાપુ પર જવા માટે નાયબ વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આ જાહેરનામું 11-12-2026 સુધી અમલમાં રહેશે.

 

પ્રતિબંધિત ટાપુઓ  ખારા બેરાજા નજીક ભેંસબીડ ટાપુ, સરમત નજીક દંડીકા અને મુંડીકા ટાપુ, બેડી નજીક ઝિન્દ્રા, પિરોટન, અમુડી બેલા, બડા બેલા, કોદરા બેડ, જુના બેલા, સોસબારી, ઘાખડી (નોવાડા) અને ધોરી ક્રિક.

(2:09 PM IST)