<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

ગુમ થયેલી શ્રમજીવી પરિવારની વ્હાલસોયી દીકરી મુંબઈ પહોંચે તે પહેલાં જ સરખેજથી મળી આવી : ભુજ બી-ડિવિઝન પોલીસની સંવેદનશીલ કામગીરી

સગીરા પાસે મોબાઇલ નહોતો, છતાં માતા-પિતાના મોબાઇલની કોલ હિસ્ટ્રી અને સર્ચ ડેટાની કડીના આધારે પોલીસે ખાનગી તથા એસ.ટી. બસોમાં તપાસ કરી; ગણતરીના કલાકોમાં દીકરીને હેમખેમ પરિવારને સોંપી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ :  પરિવારની દીકરી અચાનક ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જાય ત્યારે પરિવારજનો પર કેવી વીતતી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એક તરફ દીકરીની ચિંતા અને બીજી તરફ તેની કોઈ ભાળ ન મળવાની વ્યથા… આવા સંજોગોમાં ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે ફરજની સાથે માનવીય સંવેદનાનો પણ પરિચય કરાવ્યો છે. ઘરેથી નીકળી ગયેલી શ્રમજીવી પરિવારની ૧૬ વર્ષની સગીરાને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પોલીસની સમયસૂચકતા અને ટેકનિકલ કુશળતાના કારણે સગીરા મુંબઈ પહોંચે તે પહેલાં જ અમદાવાદ નજીકના સરખેજ ખાતેથી સુરક્ષિત મળી આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત રોજ સવારે સગીરા ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં સાંજે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સગીરા પાસે પોતાનો મોબાઇલ ફોન ન હોવાથી તેનું લોકેશન ટ્રેસ કરવામાં મુશ્કેલી હતી. જોકે, પોલીસે ટેકનિકલ તપાસના આધારે આગળ વધવાનું નક્કી કર્યું હતું.

સગીરાનાં માતા-પિતાના મોબાઇલ નંબરની કોલ હિસ્ટ્રી અને ડેટાનું વિશ્લેષણ કરતાં તા. ૧૪ની રાત્રે મોબાઇલમાં ‘ટ્રાવેલ્સ અમદાવાદ’ અને ‘મુંબઈ ગર્લ્સ પી.જી.’ અંગે સર્ચ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ મહત્ત્વપૂર્ણ કડીના આધારે પોલીસે ભુજથી અમદાવાદ અને મુંબઈ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓનો સંપર્ક કરી તપાસ કરી હતી, પરંતુ ત્યાંથી કોઈ નક્કર ભાળ મળી નહોતી.

ત્યારબાદ એસ.ટી. બસોની તપાસ કરતાં સગીરા ભુજ-બારિયા રૂટની બસમાં મુસાફરી કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તાત્કાલિક અમદાવાદ નજીકના સરખેજ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. બંને પોલીસ ટીમોના સંકલનથી બસમાંથી સગીરાને સુરક્ષિત નીચે ઉતારી કબજામાં લેવામાં આવી હતી. ત્યારબાદ તેને ભુજ પરત લાવી પરિવારજનોને સોંપવામાં આવી હતી. દીકરીને હેમખેમ પરત મેળવી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ટેકનોલોજી, સમયસૂચકતા અને માનવીય સંવેદનાનો ત્રિવેણી સંગમ:

આ કામગીરીમાં ભુજ બી-ડિવિઝન પોલીસની તપાસની સૂઝબૂઝ, ટેકનિકલ એનાલિસિસ અને મહત્ત્વપૂર્ણ કડીઓના આધારે તપાસને આગળ વધારવાની ક્ષમતા જોવા મળી હતી. સગીરા મુંબઈ પહોંચે તે પહેલાં જ સરખેજથી તેને શોધી કાઢવી એ પોલીસની સમયસૂચકતા અને આંતરજિલ્લા પોલીસ સંકલનનું સરાહનીય ઉદાહરણ છે. ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને એક તરફ તપાસને દિશા આપવામાં આવી તો બીજી તરફ પરિવારની ચિંતા સમજી દીકરીને સુરક્ષિત પરત લાવવાની જવાબદારી પણ સંવેદનશીલતાથી નિભાવવામાં આવી હતી.

ઓપરેશન મિલાપ અંતર્ગત હાથ ધરાયેલી આ સફળ કામગીરીમાં પી.આઈ. એસ.એમ. રાણા, પી.એસ.આઈ. ડી.પી. ચુડાસમા, એ.એસ.આઈ. કિશોરસિંહ બી. જાડેજા, ગિરીશભાઈ પી. રાયગોર અને હે.કો. નરેન્દ્રસિંહ પી. જાડેજા સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

એક શ્રમજીવી પરિવારની ચિંતા દૂર કરી તેના ચહેરા પર ફરી ખુશી લાવનારી ભુજ બી-ડિવિઝન પોલીસની આ કામગીરી ખરેખર બિરદાવવા જેવી છે. પોલીસની સતર્કતા, ટેકનિકલ કુશળતા અને સંવેદનશીલતા મુશ્કેલીના સમયે એક પરિવાર માટે કેટલી મોટી આશા બની શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

(9:36 AM IST)