<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

જૂન પોણો પૂરો થયો છતાં વીરપુરમાં વાવણીલાયક વરસાદ નહીં, કોરાધાકોર ખેતરો જોઈ અન્નદાતા લાચાર

મોંઘા ખાતર-બિયારણ સાથે કરેલી વાવણી જોખમમાં, સિંચાઈનાસ્ત્રોત નહીં; પશુપાલકો માટે નીરણની અછત, હવામાન વિભાગે ચોમાસું અટકયું હોવાની આગાહી કરી - મેઘરાજા પર જ તમામની નજર

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર (જલારામ), તા.૨૦:  યાત્રાધામ વીરપુર પંથકમાં મેઘરાજા હજુ રિસાયેલા જ છે. જૂન મહિનો પોણો પૂર્ણ થવા આવ્‍યો છે, પરંતુ આ વિસ્‍તારમાં હજુ સુધી વાવણીલાયક વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી. જેને કારણે દેશનો અન્નદાતા આજે આભ સામે મીટ માંડીને લાચાર બનીને બેઠો છે.

સામાન્‍ય રીતે જૂનના ત્રીજા અઠવાડિયે વીરપુર પંથકના ખેતરો લીલાછમ દેખાવા માંડે છે. ખેડૂતો ખરીફ પાકની વાવણી કરીને નિશ્‍ચિંત થઈ જાય છે. પરંતુ આ વર્ષે ચિત્ર એકદમ અલગ છે. આજે ખેતરો સૂમસામ અને કોરાધાકોર પડ્‍યા છે. વરસાદની લાંબી પ્રતીક્ષા હવે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગઈ છે.

ખેડૂતોએ દેવું કરીને કે પોતાની મૂડી ખર્ચીને મોંઘા ભાવના ખાતર અને બિયારણ ખરીદ્યા છે. કોરામાં જ વાવણી પણ કરી દીધી છે. પરંતુ જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો તેમની આ તમામ મૂડી એળે જવાની ભીતિ સેવાઈ રહી છે. આર્થિક સંકટની સાથે ખેડૂતો માનસિક રીતે પણ તૂટી રહ્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે હાલ સિંચાઈ માટે પાણીના અન્‍ય કોઈસ્ત્રોત પણ ઉપલબ્‍ધ નથી. બોર-કૂવામાં પણ જળસ્‍તર નીચે જતું રહ્યું છે.

સાથે સાથે ખેતીની સાથે પશુપાલન પર નિર્ભર ખેડૂતો માટે પશુધન સાચવવું પણ મોટો પડકાર બની ગયો છે. ચોમાસું મોડું થતાં પશુઓ માટેનો નીરણ લગભગ ખલાસ થઈ ગયો છે. પશુઓને ચારાની અછત સર્જાઈ છે.

ખેતી નિષ્‍ણાતોના મતે, સામાન્‍ય રીતે સપ્‍ટેમ્‍બર મહિનામાં ચોમાસું પૂર્ણ થાય છે. જો વાવણી વધુ મોડી થશે તો પાકને પૂરતું પાણી નહીં મળે. જેના કારણે ઉત્‍પાદકતા પર સીધી અસર પડશે અને ઉત્‍પાદન ઘટીને અડધું પણ થઈ જવાની શકયતા રહેશે. આનાથી ખેડૂતોની આવક પર મોટો ફટકો પડશે.

હવામાન વિભાગ અને હવામાન નિષ્‍ણાતોની આગાહી મુજબ ચોમાસું હાલ અટકી પડ્‍યું છે. સિસ્‍ટમ નબળી પડતા વરસાદ ખેંચાઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે.

મોંઘા ખાતર અને બિયારણ નિષ્‍ફળ જવાની ભીતિ વચ્‍ચે અત્‍યારે દરેક ખેડૂત ભગવાનને વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યો છે. કારણ કે ખેડૂતની આજીવિકાનો સંપૂર્ણ આધાર કુદરત પર જ રહેલો છે.

ચોક્કસપણે, આગામી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસે તે જ ખેડૂતો માટે આશાનું એકમાત્ર કિરણ છે. જો વરસાદ વધુ સમય સુધી ખેંચાશે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. હવે સૌની નજર આકાશ તરફ મંડાઈ છે કે મેઘરાજા કયારે મહેરબાન થાય અને ધરતીપુત્રોની ચિંતા કયારે દૂર થાય

(11:00 AM IST)