<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

સાંજે પ્રચારના ભુંગળા શાંતઃ રવિવારે સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચુંટણી જંગ

કોર્પોરેશન, જીલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારો મેદાનમાં: મંગળવારે પરિણામ

વાંકાનેરમાં પોલીસનું ફુટ પેટ્રોલીંગઃ વાંકાનેરઃ આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઅો પૂર્વે શહેરમાં પોલીસનું સઘન ફુટ પેટ્રોલીંગ હાથ ધરાયુ હતું. (તસ્વીર- અહેવાલઃ લિતેશ ચંદારાણા- વાંકાનેર)

રાજકોટ તા.૨૪: સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીના પ્રચારના પડઘમ આજે સાંજથી બંધ થઇ જશે. હવે તા.૨૬ને રવિવારે ચુંટણી જંગ જામશે અને તા.૨૮ને મંગળવારે મતગણતરી થશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણીની ઉલટ ગણતરી શરળ થઈ ગઈ છે. આજે શુક્રવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જવાના હોય, રાજકીય પક્ષો, ઉમેદવારોએ પ્રચાર પાછળ એડીચોટીનું જોર લગાવી દીધું છે. પરંતુ આ વખતે મતદારોમાં ચૂંટણીનો કોઈ રંગ જ દેખાતો ન હોય, ઉમેદવારોની ચિંતા વધી છે.

ભાવનગર મહાપાલિકા, ૧૦ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ત્રણ નગરપાલિકાની આગામી ૨૬મીએ સામાન્‍ય ચૂંટણી યોજાશે. ૪૮ કલાક પહેલા જાહેર અને સાઉન્‍ડ સિસ્‍ટમ સાથેની ચૂંટણી પ્રચાર ઉપર પાબંધી લાગી જતી હોવાથી આવતીકાલે શુક્રવારે પ્રચારના અંતિમ દિવસને લઈ સવારથી સાંજ સુધી રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરશે. ત્‍યારબાદ ડોર-ટુ-ડોર પ્રચાર કરવા ઉમેદવારો, કાર્યકરો મેદાનમાં ઉતરશે અને રાજકીય પક્ષો બંધ બારણે બેઠકો કરી અંતિમ ઘડીની રણનીતિ ઘડશે. મનપા, પાલિકા અને પંચાયત જીતવા માટે રાજકીય પક્ષો મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ હાલની સ્‍થિતિ જોતા મતદારોની નિરસતા અને ગરમીના કારણે મતદાન ઓછું થાય તેવી ચિંતા વ્‍યક્‍ત કરાઈ રહી છે.

ગીર સોમનાથ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત કુલ મતદાન મથકો-૮૧૫ છે. સંવેદનશીલ મતદાન મથકો-૩૬૦, અતિસંવેદનશીલ મતદાન મથકો-૯, ગીર સોમનાથ૪- નગરપાલિકા (વેરાવળ, તાલાલા, ઉના, સુત્રાપાડા) કુલ મતદાન મથકો-૧૯૦, સંવેદનશીલ મતદાન મથકો-૯૭, અતિસંવેદનશીલ મતદાન મથકો-૧૧ છે.

વાંકાનેર

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેરઃ આગામી સમયમાં યોજાનારી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓને અનુલક્ષીને વાંકાનેર શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઈ રહે અને ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી વાંકાનેર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ અને ફ્‌લેગ માર્ચ હાથ ધરવામાં આવી હતી.

આ ફૂટ પેટ્રોલિંગમાં વાંકાનેર ડિવીઝન ડીવાયએસપી સમીર સારડા, સિટી પી.આઇ. વી. એસ. સિંઘવ, પી.એસ.આઇ. મહેશ્વરી સહિત મોટી સંખ્‍યામાં પોલીસ જવાનો તથા હોમગાર્ડ્‍સના જવાનો જોડાયા હતા. આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ઉચ્‍ચ અધિકારીઓએ સ્‍થાનિક લોકોને ભયમુક્‍ત વાતાવરણમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. પોલીસે સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનાર કોઈપણ શખ્‍સ સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

(10:51 AM IST)