News of Saturday, 10th October 2026
‘બધું તો સારું છે, છતાં મન કેમ નથી લાગતું?’—માનસિક બીમારીને નબળાઈ સમજવાની ભૂલ નહીં કરતા
આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે, શું આપને નકારાત્મક વિચારો આવે છે? તો જાણો મનોચિત્સકોની આ તબીબી સલાહ..ઊંઘ ન આવવી, ઉદાસ રહેવું, નેગેટીવ વિચારો આવવા પાછળ મગજ-મન-શરીરની જટિલ પ્રક્રિયાઓ જવાબદાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : “ડૉક્ટર, મારા જીવનમાં એવી કોઈ મોટી સમસ્યા નથી, છતાં મને કંઈ સારું લાગતું નથી. કોઈ કામ કરવાની ઇચ્છા થતી નથી, ઊંઘ બગડી ગઈ છે અને સતત નકારાત્મક વિચારો આવે છે. શું હું નબળી વ્યક્તિ છું?”—અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગમાં આવા પ્રશ્નો રોજ સાંભળવા મળે છે.
માનસિક તકલીફમાંથી પસાર થતા અનેક લોકો પોતાની લાગણીઓને સમજવામાં જ સંઘર્ષ કરતા હોય છે. બહારથી જીવન સામાન્ય દેખાતું હોવા છતાં અંદરથી વ્યક્તિ સતત થાક, ઉદાસીનતા, બેચેની, ઊંઘની સમસ્યા કે નકારાત્મક વિચારોનો સામનો કરી રહી હોઈ શકે છે. ઘણીવાર પરિવારજનો પણ અજાણતાં કહી દે છે—‘મન મજબૂત રાખો’, ‘બધું સારું જ છે તો પછી ચિંતા શાની?’ અથવા ‘વધારે વિચારવાનું બંધ કરો.’ પરંતુ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા માત્ર ઇચ્છાશક્તિથી દૂર કરી શકાય તેવી બાબત નથી.
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે હોસ્પિટલના મનોચિકિત્સક ડૉ. રિદ્ધિ ઠક્કર અને ડૉ. નીરવ ચાનપાએ માનસિક બીમારી અંગેની આવી ગેરસમજ દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, “જો હૃદય, કિડની કે થાઇરોઇડમાં સમસ્યા થાય ત્યારે આપણે તેને વ્યક્તિની નબળાઈ માનતા નથી, તો મગજ અને તેની કાર્યપ્રણાલીમાં સમસ્યા થાય ત્યારે તેને નબળાઈ શા માટે ગણવી?”
*મગજની કામગીરી સમજવી એટલી જ જરૂરી*
માનવીય વિચારો, લાગણીઓ, યાદશક્તિ, ઊંઘ, પ્રેરણા, નિર્ણય લેવાની ક્ષમતા અને વર્તન પાછળ મગજની અત્યંત જટિલ પ્રણાલીઓ કાર્યરત હોય છે. મગજના અબજો ન્યુરોન સતત એકબીજા સાથે સંદેશાવ્યવહાર કરતા રહે છે. આ પ્રક્રિયામાં ડોપામિન, સેરોટોનિન, નોરએડ્રેનાલિન અને ગ્લુટામેટ જેવા વિવિધ ન્યુરોટ્રાન્સમીટર મહત્વની ભૂમિકા ભજવે છે.
મગજની કામગીરી માત્ર ન્યુરોટ્રાન્સમીટરથી જ નક્કી થતી નથી. ઊંઘ, લાંબા સમયનો તણાવ, હોર્મોન્સ, વારસાગત પરિબળો, શારીરિક બીમારીઓ, જીવનના અનુભવો અને આસપાસનું પર્યાવરણ—આ તમામ પરિબળો મગજ અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.
આથી માનસિક બીમારીને માત્ર ‘મનની નબળાઈ’ તરીકે જોવી યોગ્ય નથી. બીજી તરફ તેને માત્ર ‘કેમિકલ ઇમબેલેન્સ’ એટલે કે રાસાયણિક અસંતુલનથી સમજવી પણ અધૂરી સમજ છે. હકીકતમાં માનસિક સ્વાસ્થ્ય મગજ, મન, શરીર અને વ્યક્તિના જીવનના અનુભવો વચ્ચેના જટિલ સંબંધનું પરિણામ છે.
*મદદ માંગવી નબળાઈ નહીં, સમજદારી છે*
માનસિક તકલીફમાં રહેલી વ્યક્તિ ઘણીવાર પોતાની સ્થિતિ માટે જ પોતાને દોષ આપતી હોય છે. ‘મારી પાસે તો કોઈ મોટી સમસ્યા નથી’, ‘બીજા લોકો કરતાં મારી સ્થિતિ તો સારી છે’ અથવા ‘મારે તો ખુશ રહેવું જોઈએ’ જેવા વિચારો તેને સારવાર લેતા પણ રોકી શકે છે. પરંતુ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા માટે કોઈ એક જ કારણ હોવું જરૂરી નથી. જીવનમાં દેખીતી મોટી મુશ્કેલી ન હોવા છતાં વ્યક્તિ ડિપ્રેશન, એન્ઝાયટી, ઊંઘની સમસ્યા અથવા અન્ય માનસિક તકલીફ અનુભવી શકે છે.
આવા સમયે વ્યક્તિને ‘મજબૂત બનવાની’ સલાહ કરતાં તેની વાત સાંભળવી, તેને સમજવાનો પ્રયાસ કરવો અને જરૂર જણાય ત્યારે નિષ્ણાતની મદદ લેવા પ્રોત્સાહિત કરવું વધુ મહત્વનું છે. માનસિક બીમારી વ્યક્તિના વ્યક્તિત્વની ખામી નથી. જેમ શરીરની બીમારી માટે સારવાર જરૂરી બને છે, તેમ મન અને મગજની તકલીફ માટે પણ યોગ્ય સમયે નિષ્ણાતની સલાહ અને સારવાર લેવી એ સ્વસ્થ થવાની દિશામાં મહત્વનું પગલું છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
