<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

દિવાળી પહેલાં જ ધડાકા! ગારીયાધારમાં ૬ લાખના ગેરકાયદે ફટાકડાનો ખડકલો જોઈ તંત્ર ચોંક્યું, ખુલ્લા ખેતરમાં નિયંત્રિત વિસ્ફોટ કરી જથ્થો કર્યો સ્વાહા!

રાતી તલાવડી પાસે માનવ વસાહતથી દૂર વડોદરા PESOના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રૂ. ૬ લાખની કિંમતનો ૨૩૨ બોક્સ ફટાકડાનો જથ્થો ખાખ કરાયો

ભાવનગર : દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાંથી બિનઅધિકૃત ફટાકડાના કાળાબજાર અને ગેરકાયદે સંગ્રહ સામે તંત્ર દ્વારા સૌથી મોટી અને આકરી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં બિનઅધિકૃત રીતે ગોડાઉનમાં છુપાવી રાખવામાં આવેલો ₹૬ લાખની કિંમતનો વિશાળ ફટાકડાનો જથ્થો જપ્ત કર્યા બાદ, તંત્ર દ્વારા માનવ વસાહતથી દૂર લઈ જઈને સુરક્ષિત અને નિયંત્રિત રીતે ધડાકાભેર નાશ કરવામાં આવતાં ગેરકાયદે વેપાર કરતા તત્વોમાં ભારે ફાળ પડી છે.

 

મળતી માહિતી મુજબ, ગારીયાધારમાં દિનેશભાઈ કરસનભાઈ વાલાણી નામના વેપારીના ગોડાઉનમાં વગર પરવાનગીએ ગેરકાયદેસર રીતે ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહાયો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ગત ૯ સપ્ટેમ્બરે મામલતદાર સહિતની સંયુક્ત ટીમે દરોડો પાડીને સીઝીંગની કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ફટાકડાના કુલ ૨૩૨ જેટલા મોટા બોક્સ મળી આવ્યા હતા, જેની અંદાજિત બજાર કિંમત ₹૬ લાખ જેટલી આંકવામાં આવી હતી. તહેવાર સમયે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે આ જથ્થાનો ત્વરિત નિકાલ કરવો જરૂરી હતો.

 

સુરક્ષિત રાતી તલાવડી જમીન પર અધિકારીઓની હાજરીમાં કામગીરી

 

આ ખતરનાક અને વિસ્ફોટક જથ્થાનો નાશ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ સુરક્ષા આયોજન કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા ફટાકડાને પરવડી ખાતે આવેલી રેવન્યુ સર્વે નંબર ૮૨૮ની 'રાતી તલાવડી' ખુલ્લી જમીન પર લઈ જવામાં આવ્યા હતા. આ સ્થળ સામાન્ય માનવ વસાહતથી આશરે ૨ કિલોમીટર દૂર આવેલું છે. સ્થળ પર કોઈ ગેસ લાઈન, વીજળીના હાઈટેન્શન વાયરો, BSNL લાઈન કે અનામત જંગલ વિસ્તાર ન હોવાની તમામ સુરક્ષા પાસાઓની ચકાસણી કર્યા બાદ જ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

 

નાયબ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ્સ (PESO), વડોદરાના ઉચ્ચ અધિકારીઓ અને વિસ્ફોટક નિષ્ણાતોની પ્રત્યક્ષ છત્રછાયા હેઠળ ફટાકડાના જથ્થાને પદ્ધતિસર ગોઠવીને સુરક્ષિત ધડાકા સાથે સળગાવી દેવાયો હતો. તંત્રની આ સપાટાબંધ અને આકરી કાર્યવાહીથી ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરનારાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

 

(7:36 PM IST)