<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

મોરબીમાં ઐતિહાસિક જીતનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે ઉમેદવારોને પ્રજાના સેવક બની રહેવાની ટકોર કરતા હર્ષ સંઘવી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબીમાં કમલમ ખાતે ઉમેદવારો અને આગેવાનોને આપ્યું માર્ગદર્શન.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે મોરબીની મુલાકાત લીધી છે. તેઓએ કમલમ કાર્યાલય ખાતે આગામી ચૂંટણીઓને અનુલક્ષીને ભાજપના ઉમેદવારો અને અગ્રણીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ચૂંટણી જીત્યા બાદ ઉમેદવારોની જવાબદારીઓ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ વિપક્ષોની કાર્યપદ્ધતિ અંગે આકરા પ્રહારો કર્યા હતા અને તમામ અગ્રણીઓને કામે લાગી જવા આહ્વાન કર્યું હતું.

વિપક્ષો પર આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ માત્ર રડે જ છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા અને સુરત સહિતના વિસ્તારોના પ્રવાસેથી તેઓ મોરબી આવ્યા છે અને બધે જ વિપક્ષ સાફ થઈ ગયો છે. મોરબીમાં પણ કોંગ્રેસ કાર્યાલયની બહાર માત્ર બેનર દેખાયું પણ ક્યાંય પંજો નજરે પડ્યો ન હતો. સુરતમાં ઝાડુવાળાનું સફાચટ થઈ ગયું છે, રાત્રે 9 થી 10 વાગ્યાની આસપાસ તેમનું અડધું છાપરું ઉડી ગયું છે. લોકોના મજબૂત સમર્થનને કારણે 520 જેટલી જગ્યાઓ પરથી ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા 720 થી વધુ બેઠકો પર નાગરિકોનો સીધો વિજય થયો છે.
વેપારીઓ અંગે વાત કરતા રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે તેમણે વેપારીઓનો આભાર માન્યો હતો. યોજનાના કારણે પડેલી તકલીફોમાં વેપારીઓએ જે સહયોગ આપ્યો તે બદલ આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ પહેલા જ દિવસથી વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે તમામ વિભાગોને સૂચના આપી દીધી હતી. ભૂતકાળમાં ગેસના ભાવનો મુદ્દો હોય કે અન્ય કોઈ વિષય, સરકાર હંમેશા વેપારીઓની પડખે મજબૂતીથી ઊભી રહી છે અને ભવિષ્યમાં પણ સાથે મળીને આગળ વધશે.
મોરબીમાં ઐતિહાસિક જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે અપીલ કરી હતી કે મોરબી નગર કે જિલ્લામાં કોઈ એક પણ સીટ એવી ન રહી જાય જ્યાં ભાજપ ન જીતે, અન્યથા તે વિસ્તારના વિકાસના કામો રૂંધાઈ જશે. મોરબીમાં એવી ઐતિહાસિક જીત થશે કે ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પક્ષ મોરબીના નાગરિકોને પોતાના રાજકીય હાથો બનાવવાની કોશિશ નહીં કરે અને માત્ર વિકાસની રાજનીતિ જ ચાલશે.

(12:56 AM IST)