તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 29th September 2026
ઉનાના દવાના વેપારીનું અપહરણ કરનાર નકલી પોલીસ-પત્રકારની ગેંગનો પર્દાફાશઃ ૭ ઝડપાયા
દેશી દવાના વેપારી નફીસભાઈ સુલેમાનભાઈ સુમરાનું અપહરણ કરીને ૧૧,૫૦૦ની લૂંટ કરનાર ગેંગ પાસેથી ૨ કાર સહિત ૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરતી ગીર સોમનાથ જિલ્લા પોલીસઃ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસની ખોટી ઓળખ આપી વેપારીઓને ડરાવી-ધમકાવી લૂંટ કરતી એક સંગઠિત ગેંગનો ગીર સોમનાથ જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યોઃ આરોપી કૌશિક પંચાલ પાસેથી ગુજરાત પોલીસ કર્મચારીનું નકલી ID કાર્ડ પણ કબજે કર્યું

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૨૯: ગીર સોમનાથ જિલ્લામાં પોલીસની ખોટી ઓળખ આપી વેપારીઓને ડરાવી-ધમકાવી લૂંટ કરતી એક સંગઠિત ગેંગનો ગીર સોમનાથ જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસની આબરૂને લાંછન લગાડતી આ ગેંગે ઉનામાં દેશી દવાના વેપારીનું દિવસે દહાડે અપહરણ કરી લૂંટ ચલાવી હતી.
ગત તા. ૧૭/૦૯/૨૦૨૬ ના રોજ ઉનાની ગુલમોર સોસાયટીમાં રહેતા ફરિયાદી નફીસભાઈ સુલેમાનભાઈ સુમરા (સાંઈ મુસ્લિમ, ઉ.વ. ૪૧) પોતાના મેણ ગામે આવેલ ક્લિનિક પર હાજર હતા. ત્યારે બપોરના સમયે નંબર પ્લેટ વગરની સફેદ સ્વીફટ કારમાં ત્રણ ઇસમો આવ્યા હતા. પોતાને SOG પોલીસ તરીકે ઓળખાવી તારી સામે ફરિયાદ છે કહી બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. બાદમાં તેમના શર્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૧૧,૫૦૦ કાઢી લઈ ગીરગઢડા બાયપાસ બ્રિજ પાસે નીચે ઉતારી ફરાર થઈ ગયા હતા. આ અંગે ઉના પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૩૦૯(૪), ૧૩૭(૨), ૨૦૪, ૫૪ મુજબ ગુનો નોંધાયો હતો.
આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા તથા ગીર સોમનાથ SP જયદીપસિહ જાડેજાએ તાત્કાલિક આરોપીઓને પકડી પાડવા આદેશ કર્યો હતો. ઉના ડિવિઝન DySP એમ.એફ઼ ચૌધરીના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને ઉના પોલીસની ૩ અલગ ટીમો બનાવી CCTV ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ શરૂ કરાઈ હતી.
તપાસમાં ચોંકાવનારો ખુલાસો - ભત્રીજો જ નીકળ્યો ગદ્દાર
પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી કે આ આખા કાવતરા પાછળ ફરિયાદીનો સગો ભત્રીજો અલકેશ યાકુબ તાઇ જ હતો. જૂના મનદુઃખ અને વેરઝેરના કારણે અલકેશે તેના મિત્ર નદીમ કાતરીયાને ફરિયાદીની તમામ માહિતી આપી હતી. નદીમ અને ગીતાબેન ગોહીલે બે દિવસ સુધી ફરિયાદીના ક્લિનિકની ટુ-વ્હીલર પર રેકી કરી હતી.
કેવી રીતે આપ્યો અંજામ
રેકી બાદ મુખ્ય આરોપી દિવ્યેશ નસીતના કહેવાથી મહેસાણાથી પ્રેસ રિપોર્ટર કુણાલપુરી ગોસ્વામી પોતાની કાર GJ-02-EG-6231 લઈને તેના સાગરિતો અબ્દુલ સાંધ અને હાર્દિક બાંભણીયા સાથે મેણ ગામે આવ્યો હતો અને બનાવને અંજામ આપ્યો હતો.
ગેંગની મોડસ ઓપરેન્ડી
આ ગેંગના લીડર દિવ્યેશ બાબુભાઈ નસીત અખંડ ભારત દૈનિક સમાચારમાં સહતંત્રી છે. તેની આડમાં તેણે કુણાલપુરી, હાર્દિક, મિતેશ, કૌશિક જેવા લોકોને રિપોર્ટર તરીકે રાખ્યા હતા. આ લોકો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં ખાનગી કંપનીઓ, સ્પા સેન્ટરોમાં જઈ પોતાને ક્યારેક પોલીસ તો ક્યારેક પ્રેસ તરીકે ઓળખાવી પૈસા પડાવતા હતા. પોલીસે આરોપી કૌશિક પંચાલ પાસેથી ગુજરાત પોલીસ કર્મચારીનું નકલી ID કાર્ડ પણ કબજે કર્યું છે.પોલીસે હાલ ૭ આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે હાર્દિક બાંભણીયા, ગીતાબેન ગોહીલ અને અબ્દુલ સાંધ હજુ ફરાર છે.
આ સમગ્ર કામગીરીમાં LCB PI એમ.કે. વણારકા, SOG PI આર.આર. રાયજાદા, ઉના PI કે.આઈ. જાડેજા, PSI એ.બી. ગોહીલ, એસ.જે. સોલંકી, કે.એન. મુછાળ, એસ.બી. બોરીચા તથા LCB/SOG/ઉના સ્ટાફની મહત્વની ભૂમિકા રહી હતી.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
