હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છના બાહોશ અને પ્રમાણિક ધારાશાસ્ત્રી રત્નાકરભાઈ ધોળકિયાની ચિરવિદાય
દાણચોરો અને રાષ્ટ્રવિરોધી તત્ત્વો સામે કાયદાકીય જંગ છેડી કચ્છની ધરતી પર આગવી ઓળખ ઊભી કરનાર વરિષ્ઠ વકીલનું અમદાવાદ ખાતે ૮૭ વર્ષની વયે નિધન : ગાયત્રી ઉપાસક હતા : રાજ્યના પૂર્વ ચૂંટણી કમિશ્નર પ્રભાકર ધોળકિયાના ભાઈ હતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : કચ્છમાં સોના-ચાંદીથી લઈને હથિયારો સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓની દાણચોરી માટે એક સમયે કુખ્યાત ગણાતા સમયગાળામાં દાણચોરો અને રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડનારાં તત્ત્વો સામે કાયદાકીય લડત ચલાવી આગવી ઓળખ ઊભી કરનારા ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી રત્નાકરભાઈ જાદવરાય ધોળકિયાનું ગુરુવારે અમદાવાદ ખાતે અવસાન થયું હતું. તેઓ ૮૭ વર્ષના હતા. તેમના નિધનથી વકીલ આલમ, વડનગરા નાગર જ્ઞાતિ, મિત્રો, સ્નેહીજનો અને તેમને ચાહનારા વર્ગમાં શોકની લાગણી પ્રસરી હતી. રત્નાકરભાઈ ધોળકિયા ભુજના રહેવાસી અને વડનગરા નાગર જ્ઞાતિના અગ્રણી હતા. ગાયત્રી ઉપાસક રત્નાકરભાઈ રાજ્યના પૂર્વ ચૂંટણી કમિશનર પ્રભાકર ધોળકિયાના ભાઈ થતા હતા. એ સમયગાળામાં કચ્છમાં દાણચોરીની પ્રવૃત્તિઓ વ્યાપક પ્રમાણમાં ચાલતી હતી. સોના-ચાંદી ઉપરાંત હથિયારો અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી સામે કાયદાનું શસ્ત્ર ઉગામી તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી. દાણચોરો તથા સમાજ અને રાષ્ટ્રના હિતને નુકસાન પહોંચાડતાં તત્ત્વો સામે કાયદાકીય કાર્યવાહી થાય અને ગુનેગારોને સજા મળે તે દિશામાં તેમણે સતત પ્રયાસો કર્યા હતા.
*પોલીસ, કસ્ટમ્સ અને ડીઆરઆઈ સાથે રહી નોંધપાત્ર કામગીરી*
વરિષ્ઠ ધારાશાસ્ત્રી આર.જે. ધોળકિયાએ પોલીસ અધિકારીઓ શ્રીકુમાર, કુલદીપ શર્મા, અનિલ પ્રથમ અને જી.એસ. મલિક સહિતના અધિકારીઓના કાર્યકાળ દરમિયાન દાણચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાયદાકીય મોરચે સક્રિય ભૂમિકા ભજવી હતી. અનેક કેસોમાં શિક્ષાત્મક કાર્યવાહી સુધીનાં પરિણામો મેળવવામાં તેમની કામગીરી મહત્ત્વપૂર્ણ રહી હતી. તેમણે પોલીસ તંત્ર ઉપરાંત કસ્ટમ્સ વિભાગ અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) જેવી એજન્સીઓ સાથે પણ કામ કર્યું હતું. આ એજન્સીઓ માટે ખાસ સરકારી વકીલ તરીકેની જવાબદારી સહિત વિવિધ ભૂમિકાઓ નિભાવી તેમણે કાયદાકીય ક્ષેત્રે પોતાની આગવી છાપ છોડી હતી. તેમની કામગીરી માત્ર કચ્છ પૂરતી સીમિત રહી નહોતી, પરંતુ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ જાણીતી બની હતી.
*ફરજ પ્રત્યેની નિષ્ઠાને કારણે જોખમોનો પણ કર્યો સામનો*
દાણચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેની તેમની કાયદાકીય લડત દરમિયાન તેમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેમની કામગીરીને લઈને તેમના પર હુમલા જેવી ઘટનાઓ પણ બની હતી. ભુજના મહાદેવ નાકા વિસ્તારમાં તેમના પર સરાજાહેર થયેલો હુમલો તે સમયની ચર્ચાસ્પદ ઘટના બની રહ્યો હતો. આવા જોખમો વચ્ચે પણ તેમણે પોતાની વકીલાત અને કાયદાકીય જવાબદારીઓ નિભાવવાનું ચાલુ રાખ્યું હતું.
આજીવન વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા રહેલા રત્નાકરભાઈએ લાંબી કારકિર્દી દરમિયાન કાયદાકીય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. વય વધતાં તેમણે વકીલાતના વ્યવસાયમાંથી વિરામ લીધો હતો અને છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ખાતે સ્થાયી થયા હતા.
*કચ્છના કાયદાકીય ક્ષેત્રે ખાલીપો*
ગુરુવારે અમદાવાદ ખાતે તેમના અવસાનના સમાચાર મળતાં વકીલ વર્તુળો, વડનગરા નાગર જ્ઞાતિના સભ્યો તથા તેમના મિત્રો અને સ્નેહીજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. વિવિધ ક્ષેત્રના લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની સેવાઓને યાદ કરી હતી. કચ્છમાં દાણચોરી સામેની કાયદાકીય લડત અને જાહેર હિત સાથે જોડાયેલી કામગીરી માટે જાણીતા રત્નાકરભાઈ ધોળકિયાની વિદાયથી કાયદાકીય ક્ષેત્રે એક અનુભવી અને પ્રતિબદ્ધ વ્યક્તિત્વ ગુમાવ્યાની લાગણી વ્યક્ત થઈ રહી છે. તેમની લાંબી કારકિર્દી અને પડકારજનક સંજોગોમાં કાયદાના માર્ગે કામ કરવાની પ્રતિબદ્ધતા હંમેશા યાદ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
