તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ખેતરના સેઢેથી સ્કોટલેન્ડની સફર: ગુજરાતનો એકમાત્ર પેરા-એથ્લીટ રાકેશ ભટ્ટ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત તરફથી મચાવશે ધૂમ, મેડલ લાવવા માટે ત્રણ વર્ષથી ફાસ્ટ ફૂડ છોડ્યું!
ભાવનગરના નાનકડા ગામના ખેડૂત પુત્રે ગરીબી અને પડકારોને હરાવીને ગ્લાસગો કોમનવેલ્થની ટિકિટ મેળવી; ૧૦૦ મીટરની દોડમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે

ભાવનગર : જો મનમાં અડગ સંકલ્પ, અથાણ મહેનત અને લોખંડી શિસ્ત હોય તો ગામડાની માટીમાંથી પણ આંતરરાષ્ટ્રીય સ્તરનો ચેમ્પિયન પેદા થઈ શકે છે. ભાવનગર જિલ્લાના એક સામાન્ય ખેડૂત પરિવારના દીકરા અને પેરા-એથ્લીટ રાકેશ ભટ્ટે આ વાતને વૈશ્વિક ફલક પર સાચી સાબિત કરી બતાવી છે. સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત 'કોમનવેલ્થ ગેમ્સ–2026' (Commonwealth Games 2026) માટે ભારતીય ટીમમાં તેમની પસંદગી થઈ છે. સૌથી ગૌરવની વાત એ છે કે, આ વૈશ્વિક મહાકુંભ માટે ક્વોલિફાય થનારા તેઓ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર ખેલાડી બન્યા છે, જેઓ ૧૦૦ મીટર દોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ખેતરની ધૂળમાં દોડીને લગાવી આંતરરાષ્ટ્રીય છલાંગ
રાકેશ ભટ્ટ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના એક નાનકડા ગામ 'મોટી બાબરીયાત'ના વતની છે. એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા રાકેશના પિતા ખેતી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. રાકેશ જ્યારે પણ ગામડે હોય ત્યારે પિતાને ખેતીકામમાં મદદ કરે છે. કોઈ આધુનિક સિન્થેટિક ટ્રેક વિના, તેમણે ગામડાના ખેતરોમાં અને ધૂળિયા માર્ગો પર દોડીને પોતાની ઝડપ અને સ્ટેમિના વધાર્યા છે. ગામની માટીમાં પરસેવો પાડીને શરૂ થયેલી આ સફર આજે તેમને સાત સમુંદર પાર આંતરરાષ્ટ્રીય મંચ સુધી લઈ ગઈ છે.
સફળતાનો ગ્રાફ: ૨૦૨૨થી શરૂ થઈ ગોલ્ડન સફર
રાકેશે વર્ષ ૨૦૨૨માં પોતાના અભ્યાસની સાથે રમતગમત ક્ષેત્રે વ્યાવસાયિક રીતે આગળ વધવાનું શરૂ કર્યું હતું. શરૂઆતની જ સ્પર્ધાઓમાં બે ગોલ્ડ મેડલ જીતી તેમણે પોતાની ક્ષમતાનો પરચો આપ્યો હતો. ત્યારબાદ:
· વર્ષ ૨૦૨૩: એશિયન ગેમ્સમાં ભાગ લઈ આંતરરાષ્ટ્રીય સ્તરનો બહોળો અનુભવ મેળવ્યો.
· વર્ષ ૨૦૨૫: વિવિધ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ અને 'વર્લ્ડ પેરા એથ્લેટિક્સ'માં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા.
· મેડલની વિગત: અત્યાર સુધીમાં તેઓ નેશનલ કક્ષાએ ૧૫ ગોલ્ડ અને ૧૮ સિલ્વર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૩ ગોલ્ડ અને ૨ સિલ્વર મેડલ દેશના નામે કરી ચૂક્યા છે.
અપ્રતિમ બલિદાન: ૩ વર્ષથી ફાસ્ટ ફૂડ અને ૨ વર્ષથી આઈસ્ક્રીમને અડક્યા પણ નથી!
એક સામાન્ય દોડવીરમાંથી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન બનવા પાછળ રાકેશનું અસાધારણ બલિદાન અને કઠોર દિનચર્યા જવાબદાર છે. દેશને ગોલ્ડ મેડલ અપાવવાના એકમાત્ર લક્ષ્ય સાથે તેમણે છેલ્લા ત્રણ વર્ષથી ફાસ્ટ ફૂડનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે, જ્યારે છેલ્લા બે વર્ષથી આઈસ્ક્રીમનો સ્વાદ પણ ચાખ્યો નથી. તેઓ રોજના ૬ કલાક (સવારે ૩ કલાક અને સાંજે ૩ કલાક) કડક ટ્રેનિંગ કરે છે. હાલમાં તેમને સ્પોન્સર દ્વારા વિશેષ ન્યુટ્રિશન અને ડાયટ પ્લાન આપવામાં આવ્યો છે, જેનું તેઓ ચુસ્તપણે પાલન કરી રહ્યા છે.
ગુજરાતનો આ હીરો ટૂંક સમયમાં જ સ્કોટલેન્ડની ધરતી પર ભારતીય ત્રિરંગો લહેરાવવા માટે સજ્જ છે, અને તેમની આ સિદ્ધિથી સમગ્ર ભાવનગર સહિત ગુજરાતભરમાં ખુશી અને ગૌરવનો માહોલ છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
