તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
ધ્રોલના હરીપરના ખેડુત સાયબર ફ્રોડનો ભોગઃ ફ્રી મૂવી જોવાની લાલચ રૂા. ૩.૫૮ લાખમાં પડી!
APK લિંક ડાઉનલોડ કરતા જ મોબાઇલ હેક થયોઃ ઇન્સ્ટાગ્રામ પરથી મોકલાયેલી લિંકે ખાતું સફાચટ કર્યું..

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, ધ્રોલ તાલુકાના હરીપર ગામે રહેતા અને ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા જગદીશભાઈ ઉકાભાઈ ભંડેરી (પટેલ) (ઉં.વ. ૪૧) પોતાના ઘરે હતા. આ દરમિયાન ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો તેમનો પુત્ર મોબાઇલ વાપરતો હતો. તે દરમિયાન તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર તા. ૩૦/૦૫/૨૦૨૬ થી તા. ૦૩/૦૬/૨૦૨૬ ના સમયગાળા દરમિયાન અજાણ્યા ઇસમ દ્વારા ફ્રી મૂવી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની એક “APK” ફાઇલની લિંક મોકલવામાં આવી હતી.
આ આકર્ષક લિંક પર ખેડૂતના પુત્રએ ક્લિક કરીને ફાઇલ ડાઉનલોડ કરી હતી. જોકે, એપ્લિકેશન ચાલુ કરવા છતાં કોઈ મૂવી ન આવતા પુત્રએ તે એપ ડિલીટ કરી નાખી હતી. પરંતુ ત્યાં સુધીમાં સાયબર ક્રિમીનલોએ મોબાઇલનો સંપૂર્ણ એક્સેસ મેળવીને ફોન હેંગ (હેક) કરી લીધો હતો. ત્યારબાદ અજાણ્યા સાયબર ઠગોએ જગદીશભાઈના બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી અલગ-અલગ UPI ID મારફતે કટકે કટકે રૂ. ૩૦ હજાર, રૂ. ૫૦ હજાર, બે વખત રૂ. ૯૫-૯૫ હજાર અને રૂ. ૩૮ હજાર મળી કુલ રૂ. ૩,૫૮,૭૦૦/- ની રકમ ઉપાડી લઈ ઓનલાઈન છેતરપિંડી આચરી હતી.
આ સમગ્ર સાયબર ફ્રોડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ફરિયાદી જગદીશભાઈને તા. ૪ જૂનના રોજ શેરબજારમાં આઈ.પી.ઓ (IPO) ભરવાનો હોવાથી નાણાંની જરૂર ઊભી થઈ હતી. ખેતીના ધિરાણ પેટે ખાતામાં જમા થયેલા રૂપિયા ચેક કરવા માટે જ્યારે તેમણે PhonePe એપ્લિકેશન મારફતે બેંક બેલેન્સ તપાસ્યું, ત્યારે રૂ. ૩.૫૮ લાખથી વધુની રકમ હોવાને બદલે માત્ર રૂ. ૨૦૦ નું બેલેન્સ બતાવતું હતું. આ જોઈને ખેડૂત દંપતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે તાત્કાલિક બેંકે જઈને તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે અજાણ્યા એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ આ મોટી છેતરપિંડી થઈ છે.
પોતાના ખાતામાંથી અચાનક જ મોટી રકમ ગાયબ થઈ જતાં ફરિયાદીએ સાયબર હેલ્પલાઈન અને ધ્રોલ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. આ મામલે ધ્રોલ પોલીસ મથકના પી.આઈ. શ્રી એચ.વી. રાઠોડ તથા તેમની ટીમે ફરિયાદી જગદીશભાઈ પટેલની ફરિયાદના આધારે અજાણ્યા લિંક મોકલનાર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
