<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

જેતપરમાં વીજલાઈન વળતર મુદ્દે ખેડૂત આંદોલન પાર્ટ-૩ ની જોરદાર તૈયારીઓ : સતત બીજા દિવસે વિવિધ જિલ્લાના ખેડૂતો અને સરપંચો સાથે બેઠકનો ધમધમાટ

તમામ જિલ્લાઓમાંથી મંતવ્યો અને સૂચનો મેળવ્યા બાદ આગામી રણનીતિ માટે ગુજરાત સ્તરની કમિટી રચાશે : ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છ અને આજે ઉત્તર-મધ્ય તથા દક્ષિણ ગુજરાતના સરપંચો-ખેડૂતો બેઠકમાં જોડાયા

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે વીજલાઈનના યોગ્ય વળતર મુદ્દે અગાઉ થયેલા ઉપવાસ આંદોલન બાદ હવે આ લડતને વધુ વ્યાપક બનાવવા માટે 'ખેડૂત આંદોલન પાર્ટ-૩' ની સત્તાવાર જાહેરાત કરીને તૈયારીઓ વેગવંતી કરવામાં આવી છે. જેતપર ખેડૂત સમિતિ દ્વારા આંદોલનની આગામી દિશા નક્કી કરવા માટે સતત બીજા દિવસે વિવિધ જિલ્લાના ખેડૂતો અને સરપંચો સાથે બેઠકોનો દોર શરૂ રાખવામાં આવ્યો છે. આ બેઠકોનો મુખ્ય હેતુ રાજ્યભરના ખેડૂત પ્રતિનિધિઓ અને ગ્રામ્ય આગેવાનોના મંતવ્યો મેળવીને સરકાર સામે મજબૂત રણનીતિ ઘડવાનો છે.

બે દિવસમાં સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રતિનિધિઓ બેઠકમાં ઉમટ્યા:

જેતપર ખાતે યોજાયેલી આ મહાબેઠકોમાં સમગ્ર ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી ખેડૂતો સહભાગી બન્યા છે. આ આયોજન હેઠળ ગઈકાલે પ્રથમ દિવસે મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેમજ સરપંચો સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

જ્યારે આજે આ લડતને આગળ વધારતાં સતત બીજા દિવસે સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના ખેડૂતો અને સરપંચો સાથે મહત્વની બેઠક યોજવામાં આવી રહી છે. આમ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના તમામ વિસ્તારોના અગ્રણીઓને આ લડતમાં જોડી દેવામાં આવ્યા છે.

આગામી દિવસોમાં ગુજરાત સ્તરની કમિટી રચાશે:

ખેડૂત સમિતિના આગેવાનોએ જણાવ્યું છે કે, આ બે દિવસીય મંથન દરમિયાન જુદા-જુદા જિલ્લામાંથી આવેલા ખેડૂતો અને સરપંચો પાસેથી તમામ મહત્વના સૂચનો ભેગા કરવામાં આવી રહ્યા છે. આ તમામ પ્રસ્તાવો અને વીજલાઈન વળતરની વિગતોનો ઊંડો અભ્યાસ કર્યા બાદ, આગામી દિવસોમાં ગુજરાતના તમામ ખેડૂતોને સાથે રાખીને આંદોલનની આખરી રણનીતિ તૈયાર કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આ લડતનું વ્યવસ્થિત સંચાલન થાય તે માટે ટૂંક જ સમયમાં ગુજરાત સ્તરની એક વિશેષ ખેડૂત કમિટીની પણ વિધિવત રચના કરવામાં આવશે.

(10:13 PM IST)